શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસ પથ્થરબાજોને પકડી પાડવા માટે હવે નવી વ્યૂહરચના ઉપર આગળ વધી રહી છે. આના ભાગરૂપે સફળતા પણ મળી રહી છે. પથ્થરબાજોને પકડી પાડવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે આઠ વર્ષ જૂની વ્યૂહરચના અપનાવી છે. આ લોકો પોતે પથ્થરબાજ તરીકે સામેલ થઈને અસલી પથ્થરબાજોને પકડી રહી છે. શુક્રવારના દિવસે આ વ્યૂહરચના અમલી કરવામાં આવ્યા બાદ આને સફળતા મળવા લાગી ગઈ છે. કેટલાક પથ્થરબાજા ઝડપાઈ ગયા છે.
શ્રીનગરમાં જામા મસ્જિદ વિસ્તારમાં ૧૦૦થી વધુ લોકોનું નેતૃત્વ કરી રહેલા કેટલાક પથ્થરબાજોને પકડી પાડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી એક નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. જામા મસ્જિદમાં શુક્રવારના દિવસે નમાજ અદા કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ અને સીઆરપીએફના જવાનો પર પથ્થરમારો કરવા લાગી ગયા હતા. આ ટોળામાં કેટલાક એવા લોકો પણ હતા જે વારંવાર પથ્થરબાજી કરતા રહ્યા છે. પથ્થરબાજોના લીધે સ્થાનિક લોકો વધારે ઉશ્કેરાઈ રહ્યા છે. પોલીસે પથ્થરબાજાની અંદર મળીને કેટલાકને ઝડપી પાડ્યા હતા.
પોલીસ ટુકડી હવે આગામી દિવસોમાં પણ આ રણનીતિ સાથે આગળ વધી શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ૨૦૧૦માં પણ આવી રણનીતિ અપનાવી હતી. તે વખતે ટોળાની અંદર મોટી સંખ્યામાં પોલીસ જવાનો ફેલાઈ ગયા હતા. પથ્થરબાજોને ઓળખી કાઢવા અને તેમને પકડી પાડવા માટે આ રણનીતિ અપનાવી હતી. બે વર્ષ અગાઉ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા પણ આવી રણનીતિ અપનાવવામાં આવી હતી. ઈઝરાયેલી પોલીસના જવાનો પેલેસ્ટેનિયન પથ્થરબાજોના ટોળાઓમાં ઘુસણખોરી કરતા દેખાયા હતા.