અમદાવાદ: ખેડુતોની દેવા માફી અને પાટીદારો માટે અનામતની માંગ કરીને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પોતાની માંગને લઇને મકક્મ બનેલો છે. તેની સારવાર હાલમાં ચાલી રહી છે. સોલા સિવિલમાં સાત કલાક સુધી સારવાર લીધા બાદ તેને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેના સોનાગ્રાફી, યુરિન અને બ્લડ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ પર જુદા જુદા ટેસ્ટને લઇને પાસના લોકો સાવધાન થયેલા છે. જુદા જુદા ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આજે ૧૫માં દિવસે તેના અનશન જારી રહ્યા હતા.
હાર્દિકને કિડનીમાં ઇન્ફેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. હાર્દિકના આમરણાંત ઉપવાસના આજે ૧૪માં દિવસે તેની તબિયત વધારે લથડી હતી. અગાઉ ગઇકાલે હાર્દિક પટેલના ઉપવાસના ૧૪માં દિવસે આખરે તેની તબિયત લથડી જતાં તેને તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને એમઆઇસીયુ વોર્ડમાં બેડ નં-૩ પર તેની અરજન્ટ સારવાર શરૂ કરવામાં આવી હતી. ગઇકાલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મહ્તવપૂર્ણ મંત્રણા અને ચર્ચાના અડધા કલાક બાદ બપોરે ૩-૧૫ મિનિટે હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને તેની સ્થિતિ ગંભીર બનતાં તેને આઇસીયુ ઓન વ્હીલ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરના પાટીદાર સમાજમાં હાર્દિકની તબિયતને લઇ ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતું અને ઠેર-ઠેર હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે પાર્થનાનો દોર ચાલ્યો હતો. હાર્દિકને હોસ્પિટલ ખસેડાતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ હાઈ એલર્ટ કરી દેવાઈ છે. હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાયતકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે.