અમદાવાદ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના અભ્યાસક્રમમાં છેલ્લા થોડા સમયમાં ધરખમ ફેરફારો થયા છે. હવે છેલ્લાં ૬૯ વર્ષમાં પહેલી વાર સીએ ભણી રહેલા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા પણ આપવી પડશે. સીએના વિદ્યાર્થીઓએ હવે પ્રેકટીકલ ટ્રેનીંગ એસેસમેન્ટ ટેસ્ટ એટલે કે, પી ટેટ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આગામી ત્રણ માસના સમયગાળામાં તેનો અમલ થશે. સીએના ફેરફાર કરાયેલા અભ્યાસક્રમ મુજબ, વિદ્યાર્થીઓએ આર્ટિકલશિપ ટ્રેનિંગ ટેસ્ટ આપવાની રહેશે.
જેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ એસેસમેન્ટ ટેસ્ટ એટલે ‘પી ટેટ’ ટેસ્ટ, જે સીએના ઈન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓ માટે લેવાશે, જોકે તે પહેલા અને બીજા વર્ષે ટ્રેનિંગના અંતમાં યોજાશે. આગામી ત્રણ માસની અંદર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા ઝડપથી વર્ચ્યુઅલ એક્ઝામની પેટર્ન લાગુ કરવા જઈ રહી છે. સીએ ભણી રહેલા વિદ્યાર્થીઓએ આઈપીસી બાદ અઢી વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ સીએના ત્યાં લેવાની હોય છે, જેને આર્ટિકલશિપ કહેવાય છે. હવેથી વિદ્યાર્થીઓની ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટિકલ નોલેજના મૂલ્યાંકન માટેની ઓનલાઈન પરીક્ષા ડિસેમ્બરથી અમલી થશે. પ્રેક્ટિકલ નોલેજ મૂલ્યાંકન પરીક્ષાના માર્ક્સ અને તેનો ગ્રેડ વિદ્યાર્થિની ફાઈનલ માર્કશીટમાં ઉમેરવામાં આવશે.
આ સિસ્ટમ ૬૯ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર લાગુ થઈ રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આર્ટિકલશિપને ગંભીરતાથી લેશે અને તેમને સારું પ્લેસમેન્ટ અને પેકેજ મળશે. સ્ટુડન્ટ આઇપીસી બાદ પ્રેક્ટિલ ટ્રેનિંગને ગંભીરતાથી લેતા ન હોવાનું એસોસિયેશનના ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે તેમને વારંવાર રજૂઆતો-સૂચનો પણ મળતાં હતાં. પ્રેક્ટિકલ ટ્રેનિંગ ગંભીરતાથી ન લેવાના કારણે વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ નોલેજ અને ફન્ડામેન્ટલ વર્ક મજબૂત થતા ન હતા. પરિણામે પ્લેસમેન્ટ સમયે વિદ્યાર્થીને નુકસાન થતું હતું, જેનાથી તેના પેકેજમાં પણ ઘટાડો થતો હતો.
અત્યાર સુધીનું સીએનું એવરેજ પેકેજ રૂ.૫ થી રૂ.૧૬ લાખ સુધીનું છે. હવે પ્રેક્ટિકલ નોલેજની પરીક્ષા લેવાવાના કારણે વિદ્યાર્થી જોબ ઈન્ટરવ્યૂમાં સારું પ્રેઝન્ટેશન કરી શકશે. ઉપરાંત ટેસ્ટના ગ્રેડ અને માર્ક્સ ફાઈનલ માર્કશીટમાં ઉમેરાવાના હોવાથી તેણે ફરજિયાતપણે આર્ટિકલશિપને ગંભીરતાથી લેવી પડશે. જા કે, આ નવી પી ટેટ ટેસ્ટ માટે વિદ્યાર્થીઓએ મહેનત પણ કરવી પડશે.