નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો હતો જેથી બંનેના ભાવ ઓલટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચી ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૭.૩૯ સુધી પહોંચી ગઈ છે.
પેટ્રોલ ડીઝલની કિંમતમાં દરરોજ સુધારા કરવાનો નિર્ણય કર્યા બાદથી કોઇ એક દિવસમાં સૌથી મોટો વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં ૪૮ પૈસાનો વધારો થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં બાવન પૈસાનો વધારો થયો છે. આની સાથે જ ડીઝલની કિંમત વધીને ૭૨.૦૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે અને મુંબઈમાં ડીઝલની કિંમત ૭૬.૫૧ રૂપિયા થઇ ગઇ છે. ફ્યુઅલની કિંમતમાં આજે સતત વધારો કરવામાં આવ્યો હતો.
પાંચમી સપ્ટેમ્બરના દિવસે ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. ફ્યુઅલની કિંમતમાં નવેસરનો વધારો હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં તીવ્ર વધારાના સંબંધમાં છે. કોલકત્તામાં પેટ્રોલ ૪૭ પૈસા મોંઘુ થઇને હવે ૮૨.૮૮ સુધી પહોંચી ગયુ છે. આવી જ રીતે ડિઝલ ૫૨ પૈસા વધીને ૭૪.૯૨ સુધી ઉંચે પહોંચી ગયુ છે. ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ૫૧ પૈસા વધીને ૮૩.૧૩ રૂપિયા થઇ ગયુ છે. આવી જ રીતે ડિઝલ ૫૬ પૈસા વધીને ૭૬.૧૭ રૂપિયા થઇ ગયુ છે.
ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો મુશ્કેલીમાં મુકે છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે. સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવી રહ્યો છે. ૧૬મી ઓગસ્ટ બાદથી હજુ સુધી પેટ્રોલની કિંમતમાં બે રૂપિયાથી વધારેનો વધારો કરાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં ૨.૪૨ રૂપિયા પ્રતિલીટરથી વધુનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં આ કેલેન્ડર વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ ૧૩ ટકા અને ૧૯ ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. તેલની કિંમતોમાં વધારો થવા માટે આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો થઇ રહ્યો છેપેટ્રોલિયમ કંપનીઓને વધારે નાણાં ખર્ચ કરીને ઓઇલ ખરીદવાની ફરજ પડી રહી છે. રૂપિયામાં ઘટાડાના પરિણામ સ્વરુપે તેલ કંપનીઓને ક્રૂડ માટે ડોલરમાં ચુકવણી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયામાં ક્રૂડની કિંમતમાં સાત ડોલર પ્રતિબેરલનો વધારો થયો છે.
ઇરાન ઉપર અમેરિકી પ્રતિબંધના પરિણામ સ્વરુપે આની સીધી અસર થઇ છે. ઇરાનની તેલ નિકાસ ઘટી છે જેના પરિણામ સ્વરુપે ઉછાળો આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સેસ લાગૂ કરે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો એવા સમય પર કરવામાં આવી રહ્યો છે જ્યારે લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં આની સીધી અસર થઇ શકે છે. ભાજપ સરકાર આને લઇને સાવધાન રહે તે જરૂરી છે.