ટોકિયો: જાપાનમાં જેબી તોફાનથી ભારે નુકસાન થયા બાદ હવે જાપાન ભૂકંપથી હચમચી ઉઠ્યુ છે. ગુરૂવારના દિવસે આવેલા ૬.૭ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ મોતનો આંકડો વધીને ૧૬ ઉપર પહોંચી ગયો છે. અનેક મકાનો ધરાશાયી થઇ ગયા છે. ૨૬ લોકો હજુ લાપતા હોવાના હેવાલ મળ્યા છે. બચાવ અને રાહત કામગીરી ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવી છે. જેબી વિનાશકારી તોફાનની અસર હજુ રહેલી છે. આ તોફાન બાદ તેની વિનાશકતામાંથી જાપાન હજુ બહાર આવ્યુ નથી ત્યારે આ ભૂકંપે વધારે સમસ્યા સર્જી દીધી છે. ધરતીકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૦૦થી વધારે આંકવામાં આવી છે. હોકાયિદો દ્ધિપમાં આ ભૂકંપ આવ્યો હતો. અનેક મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા હતા.
ધરતીકંપનુ કેન્દ્ર હોકાયિદોના શહેર સપ્પોરોથી ૬૮ કિલોમીટરના અંતરે હોવાનુ જાણવા મળ્યુ છે. વડાપ્રધાન શિન્જા આબે દ્વારા તરત જ ઇમરજન્સી બેઠક યોજવામાં આવી હતી. હોકાયિદોમાં વિજળી ડુલ થઇ ગઇ છે. સંપૂર્ણપણે વિજળી સ્થાપિત કરવામાં સપ્તાહનો સમય લાગી શકે છે. લાપતા થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. બીજી બાજુ જાપાનમાં છેલ્લા ૨૫ વર્ષના સૌથી વિનાશકારી તોફાનમાં મોતનો આંકડો ૧૧ ઉપર પહોંચી ગયો છે . ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જૈ પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ૨૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ મોટી સંખ્યામાં વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા. તોફાન કારણે ૭૦૦ ફ્લાઇટોને રદ કરવામાં આવી હતી. ૫૮ હજારથી પણ વધારે લોકો એરપોર્ટ પર અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદ અને પ્રચંડ તોફાનના કારણે પશ્ચિમી જાપાનમાં ૭૦૦ સ્થાનિક અને વિદેશી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. કંસાઇ વિમાનીમથકમાં પાણી ભરાઇ ગયુ હતુ. જા કે હવે અહીં સ્થિતીમાં સુધારો થયો છે.
જેથી વિમાની સેવા આંશિક રીતે ફરી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેનો, હાઇ સ્પીડ ટ્રેનો બંધ કરવામાં આવ્યા બાદ હવે સ્થિતી સુધરી રહી છે. જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઓસાકા-હિરોસીમા માર્ગ પર દોડતી ટ્રેનોને અનિશ્ચિતકાળ સુધી મોકુફ કરીદેવામાં આવ્યા બાદ હવે સ્થિતીને સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. જાપાનમાં ૧૯૯૩માં વિનાશકારી તોફાનમાં ૪૮ લોકોના મોત થયા હતા અને જુલાઇ ૨૦૧૮માં પુરના કારણે ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. સેન્ટ્રલ અને વેસ્ટર્ન જાપાનમાં ભારે વરસાદ અને ભેખડો ધસી પડવા માટેની ચેતવણીજારી કરવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષના સૌથી વિનાશકારી તોફાનના કારણે દેશને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસાકા, સિગા જેવા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થયું છે.તોફાન બાદ હવે ભૂકંપના કારણે લોકોની મુશ્કેલી ઓછી થઇ રહી નથી.