અમદાવાદ: રાજય સરકાર દ્વારા અન્ય સમાજ અને જ્ઞાતિઓની સરખામણીમાં છેલ્લા કેટલાય સમયથી બ્રહ્મસમાજની ગંભીર ઉપેક્ષા અને અવગણના કરવામાં આવી રહી છે, જેના સમગ્ર રાજયના બ્રહ્મસમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. હજુ પણ સરકાર આ મામલાની ગંભીરતા નહી સમજે તો, બ્રહ્મસમાજની ઉપેક્ષા આગામી લોકસભાની ચૂંટણીમાં રાજય સરકારને ભારે પડી શકે છે. બ્રહ્મસમાજની અવગણના કરવા બદલ સરકારને તેના ગંભીર અને માઠા પરિણામો ભોગવવા પડી શકે છે. રાજયમાં પાટીદાર સમાજ પછી બ્રહ્મસમાજ ૧૦ ટકા વસ્તી સાથે બીજા નંબરનો સવર્ણ સમાજ છે ત્યારે કોઇપણ રાજકીય પક્ષ એવુ સમજતો હોય કે, બ્રાહ્મણો એમને જીતાડી શકતા નથી તો એટલું ચોક્કસ સમજી લેવું કે, બ્રાહ્મણો તેમને જીતાડી શકે નહી તો કંઇ નહી પરંતુ જા બ્રાહ્મણોની ઉપેક્ષા કરવામાં આવી તો, ચોક્કસપણે તેઓને હરાવી શકશે, તેમાં કોઇ બેમત નથી.
હવે બ્રહ્મસમાજની કોઇપણ પ્રકારની ઉપેક્ષા સાંખી લેવાશે નહી એવી ખુલ્લી ચીમકી આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશભાઇ દવેએ આજે ઉચ્ચારી હતી. આ સાથે જ આગામી તા.૮ અને ૯ સપ્ટેમ્બર દરમ્યાન એસ.જી રોડ પર આવેલા એસજીવીપી ગુરૂકુળ ખાતે બ્રહ્મસમાજના મહત્વના ચિંતન શિબિરના આયોજનની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ જ મહત્વની એવી બ્રહ્મસમાજની આ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, અમિત ઠાકર, ભરત પંડયા, જાગૃતિબહેન પંડયા, ગૌભકત ચૈતન્ય શંભુ મહારાજ, સંજયભાઇ રાવલ, સાંઇરામ દવે, નિજાનંદ સ્વામી, દેવાંગ ભટ્ટ સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજરી આપશે અને બ્રહ્મસમાજના પ્રશ્નો, સમસ્યા અને માંગણીઓના ઉકેલની દિશામાં તેમના ઉપયોગી અભિપ્રાયો અને માર્ગદર્શન પૂરા પાડશે. બ્રહ્મસમાજની આ બે દિવસીય ચિંતન શિબિરમાં બ્રાહ્મણો પર થતા અતિક્રમણ, ઉપેક્ષા અને અવગણનાના સંવેદનશીલ મુદ્દાને પણ ચર્ચા હેઠળ આવરી લેવાશે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશભાઇ દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, બ્રહ્મસમાજની મુખ્ય માંગણીઓ જાઇએ તો, બ્રહ્મસમાજના પૂજારીઓને યોગ્ય પગાર, કર્મકાંડી બ્રાહ્મણોને પેન્શન અને બ્રહ્મભુવનો બાંધવા માટે જમીનો ફાળવવા સહિતની માંગણીઓ મુખ્ય છે. સરકારે આ મામલે ગંભીરતાથી વિચાર કરી ઝડપથી અમલવારીની દિશામાં કાર્યવાહી કરવા અમારી માંગણી છે. પાછલા બે દાયકામાં બ્રહ્મસમાજની વિવિધ ક્ષેત્રોમાં ભારે ઉપેક્ષા અને હાનિ થઇ છે, તેથી આ ચિંતન શિબિરમાં યુવા, મહિલા, સામાજિક, આર્થિક અને રાજકીય એમ પાંચ સત્ર રાખવામાં આવ્યા છે અને તેને લઇને બ્રહ્મસમાજના યુવાઓ, મહિલાઓ અગ્રણી તેમ જ સાધુસમાજ અને રાજકીય આગેવાનો દ્વારા મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાશે.
સાથે સાથે સમાજની આંતરિક ત્રુટિઓ, નિરાશાઓ અને અન્ય સમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં વૈદિક ધર્મ અને બ્રાહ્મણો પર થઇ રહેલા અતિક્રમણના મુદ્દાઓને ચર્ચામાં હાથ પર લેવાશે. બ્રહ્મસમાજ દ્વારા વૈદિક ધર્મમાં મા ભારતીની ભોમને અને સમાજની સાથે સાથે અન્ય સમાજને પણ માર્ગદર્શન પૂરી પાડે અને સૌકોઇને સાથે રાખી વસુદેવ કુંટુંબકમ્ની ભાવના પ્રજવલિત રહે તેવા ઉમદા આશયથી ચિંતન શિબિરની સમગ્ર કાર્યવાહી ચાલશે. પરંતુ એક વાત નક્કી છે કે, હવે બ્રહ્મસમાજની ઉપેક્ષા કોઇપણ સંજાગોમાં સાંખી લેવાશે નહી એમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશભાઇ દવેએ અંતમાં ઉમેર્યું હતું.