ટોકિયો: જાપાનમાં વિનાશકારી ટાઇફુન અથવા તો છેલ્લા ૨૫ વર્ષના સૌથી પ્રચંડ તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. આ તોફાનના કારણે ૧૨ લાખથી વધારે લોકો જુદા જુદા સ્થળો પર ફસાઇ ગયા છે. જેબી તોફાનના કારણે ૧૦ લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જૈ પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ૨૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ મોટી સંખ્યામાં વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા છે. તોફાન કારણે ૭૦૦ ફ્લાઇટોને રદ કરવામાં આવી છે.
૫૮ હજારથી પણ વધારે લોકો એરપોર્ટ પર અટવાઇ પડ્યા છે. ભારે વરસાદ અને પ્રચંડ તોફાનના કારણે પશ્ચિમી જાપાનમાં ૭૦૦ સ્થાનિક અને વિદેશી ફ્લાઇટો રદ કરવામાં આવી છે. કંસાઇ વિમાનીમથકમાં પાણી ભરાઇ ગયુ છે. વિમાનમથકને સંપૂર્ણ પણે બંધ કરી દેવાની ફરજ પડી છે. ટ્રેનો, હાઇ સ્પીડ ટ્રેનો બંધ કરવામાં આવી છે. ઓસાકા-હિરોસીમા માર્ગ પર દોડતી ટ્રેનોને અનિશ્ચિતકાળ સુધી મોકુફ કરી દેવામાં આવી છે. ટોકિયો અને ઓકાયામા વચ્ચે દોડતી બુલેટ ટ્રેનને પણ બંધ કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાન શિન્જા આબે દ્વારા દરિયા કાઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે.
સરકારી એજન્સીઓ અને બચાવ ટીમ દ્વારા દરિયાઇ કિનારે રહેતા આશરે ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવા માટે સુચના આપવામાં આવી છે. વિમાની સેવા અને ટ્રેન સેવા ખોરવાઇ જવાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી રહી છે. અત્રે નોંધનીય છે કે જાપાનમાં ૧૯૯૩માં વિનાશકારી તોફાનમાં ૪૮ લોકોના મોત થયા હતા અને જુલાઇ ૨૦૧૮માં પુરના કારણે ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. સેન્ટ્રલ અને વેસ્ટર્ન જાપાનમાં ભારે વરસાદ અને ભેખડો ધસી પડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષના સૌથી વિનાશકારી તોફાનના કારણે દેશને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસાકા, સિગા જેવા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થયું છે. હીરોસીમામાં પણ નુકસાન થયું છે.
દરિયા કિનારામાં પ્રચંડ મોજા ઉછળ્યા છે. જેથી પશ્ચિમી જાપાનમાં નુકસાન થયું છે. પ્રચંડ ગતિ સાથે પવન ફુંકાયો છે. અનેક ટેન્કરો પણ ઉંધા વળી ગયા છે. હાઈ સ્પીડ બોટમાં ઘણા લોકોને ખસેડવામાં આવ્યા છે. ઓસાકામાં તોફાની વાવાઝોડાની અસર થઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. શોર્ટસર્કિટના પણ અનેક બનાવો બન્યા છે. કન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં પાણી ભરાઈ ગયા છે. ઘાયલોની સંખ્યા ૪૦૦થી પણ વધુ આંકવામાં આવી છે. ૧૬૬૭ જેટલા રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. અનેક વિમાની મથકો ઉપર હાલત કફોડી બનેલી છે. ઈન્ટરનેષ્ઠશનલ ફ્લાઈટો રદ કરાઈ છે.