કોચી: કેરળમાં વિનાશકારી પુર બાદ હવે જુદા જુદા રોગને લઇને લોકોની હાલત કફોડી બનેલી છે. રોગચાળો વકરી રહ્યો છે. પહેલી ઓગષ્ટથી ત્રીજી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં જ લેપ્ટોસ્પાયરોસીસ રોગના કારણે રાજ્યમાં ૧૨ લોકોના મોત થઇ ગયા છે. જ્યારે લેપ્ટોના ૩૭૨ કેસો સપાટી પર આવ્યા છે. રોગચાળાના કારણે કેરળના આરોગ્ય પ્રધાન કેકે શેલજાએ કહ્યુ છે કે કોઝિકોડેમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. સૌથી વધારે લેપ્ટોના કેસ સપાટી પર આવતા લોકોમાં ભારે ફફડાટ છે. સમીક્ષા બેઠક યોજવામાં આવ્યા બાદ આરોગ્ય પ્રધાને કહ્યુ છે કે ત્રણ સપ્તાહ માટે હાઇ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે.
સમીક્ષા બેઠક બાદ આરોગ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે કેરળમાં રોગચાળાને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે લોકોને દહેશતમાં રહેવા માટેના કોઇ કારણ નથી. તમામ હોÂસ્પટલમાં પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે. પુર બાદ લોકોને કેટલીક પ્રકારની સલાહ આપવામાં આવી રહી હોવા છતાં લોકો બિમારીના સંકજામાં આવી રહ્યા છે.
કેરળમાં સદીના વિનાશકારી પુરના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ૪૦૦થી વધારે લોકોના મોત થયા હતા. પુરના કારણે આશરે ૨૦,૦૦૦ કરોડનુ નુકસાન થયુ હતુ. કેરળમાં જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ અવિરત પણે જારી રહ્યા છે. કેરળમાં સ્થિતીને સામાન્ય બનાવવામાં હજુ ખુબ સમય લાગી શકે છે.કેરળમાં હજારો લોકો હજુ રાહત કેમ્પમાં રહેલા છે.