નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધનની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે ડોલરની તુલનામાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૮૦ રૂપિયા સુધી છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે. મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૧ રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે. મુંબઇ અને ચેન્નાઇમાં આની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો મુશ્કેલીમાં મુકે છે.
મુંબઇમાં હવે સ્કુલ બસ ઓપરેટરો દ્વારા સ્કુલ બસના ભાડામાં વધારો કરવાના સંકેત આપી દીધા છે. પ્રતિ વિદ્યાર્થી દર મહિને ભાડુ ૧૦૦થી ૧૫૦ રૂપિયા સુધી વધી શકે છે. મુંબઇમાં સ્કુલ બસ ઓનર્સ એસોસિએશનના અનિલ ગર્ગે કહ્યુ છે કે કિંમતોમાં વધારો હેરાન કરનાર તરીકે છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે.
સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે.