અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે આઠમો દિવસ છે. ત્યારે તેના ઉપવાસના સમર્થનમાં મેધા પાટકર પહોંચ્યા હતા ત્યારે ગ્રીનવુડના ગેટ પાસે હાર્દિકના સમર્થકોએ તેમને હાર્દિકને મળવા જતા અટકાવ્યા હતા. પાસના કાર્યકરોએ મેઘા પાટકરને બે હાથ જોડી વિનંતી કરી હતી કે, તેઓ અહીંથી પાછા જતા રહે, હાર્દિક તેને મળવા માંગતા નથી. ખુદ હાર્દિકે પણ મેઘા પાટકરને મળવાનો સાફ ઇન્કાર કર્યો હતો. એક તબક્કે વાત એટલી હદ સુધી વણસી કે, પાસના કાર્યકરોએ મેઘા પાટકરના વિરોધમાં ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના જોરદાર નારા લગાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉપરાંત હાર્દિકના સાથી મનોજ પનારા બે હાથ જોડીને મેધા પાટકરને રવાના થઈ જવાની વિનંતી કરતાં આખરે મેઘા પાટકરને હાર્દિકને મળ્યા વિના જ પાછા ફરવાની ફરજ પડી હતી.
નર્મદા આંદોલનકારી મેધા પાટકરે ગ્રીનવુડ ગેટ પાસે જણાવ્યું હતું કે, હાર્દિકના ઉપવાસ અંગે મને કંઈ જાણ નથી. કારણ કે છેલ્લા ૧૦ દિવસથી હું કેરળમાં હતી. પરત આવ્યા બાદ અહીંથી ફોન આવ્યો હતો તેથી હું પણ ખેડૂતોની સમર્થક હોવાથી હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપવા આવી છું. જા કે, પાસના કાર્યકરોએ મેઘા પાટકરને હાર્દિક સુધી જતા અટકાવ્યા હતા. પાસના કાર્યકરોએ ખાસ કરીને હાર્દિકના સાથી મનોજ પનારાએ મેઘા પાટકરને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે, તેઓ મહેરબાની કરીને અહીંથી જતા રહે.
જો કે, પાટકરે હાર્દિકના ખબરઅંતર પૂછવાની અને તેણી તેના ઉપવાસ આંદોલનમાં સમર્થનમાં હોવાની હિમાયત કરી હતી. જા કે, પાસના કાર્યકરોનો રોષ વધતો જતો હતો. થોડીવારમાં તો, મેઘા પાટકર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે દરમ્યાન જ પાસના રોષે ભરાયેલા કાર્યકરોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના જારદાર નારા લગાવવાના શરૂ કર્યા હતા. મેઘા પાટકર વિરોધી નારા લગાવી પાસના કાર્યકરોએ હાર્દિકની ઉપવાસ છાવણીનું સ્થળ ગજવી મૂકયુ હતું.
ખુદ હાર્દિકે પણ મેઘા પાટકરને નહી મળવાનું મુનાસીબ માન્યુ હતું. દરમ્યાન મેઘા પાટકરને હાર્દિકની અનિચ્છાની જાણ કરવામાં આવતાં અને સમજાવવામાં આવતાં આખરે મેઘા પાટકર તેમના કાર્યકરો સાથે હાર્દિકને મળ્યા વિના જ પરત ફર્યા હતા. જા કે, આ ઘટનાને લઇ હાર્દિકના ઉપવાસ સ્થળે થોડીવાર માટે મામલો ગરમાયો હતો.