અમદાવાદ: ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે રમાઇ રહેલી ૧૮મી એશિયન ગેમ્સના ૧રમા દિવસે ૪/૪૦૦ મીટર રિલે દોડમાં ઇન ફાર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની વનબંધુ દીકરી કુ.સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્રક અપાવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડ સાથે હિમા દાસ, પુવમ્મા રાજુ, અને વિસ્મયાએ સંયુક્ત રીતે ભારતને આ સુવર્ણ પદક અપાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એશિયન ગેઇમ્સમાં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની વનબંધુ કન્યા સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે. તેમણે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ અંતરીયાળ સ્તરે રહેલી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભના આયોજનની રાજ્યમાં શરૂઆત કરી હતી. પ્રતિવર્ષ યોજાતા આ ખેલ મહાકુંભના કારણે ગુજરાત આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. જેના થકી વડાપ્રધાનનું સપનું આજે સાકાર થઇ રહ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર ખેલાડીઓને આનુષાંગિક તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. ૨૩ વર્ષની સરિતા ગાયકવાડે મુળ ખો-ખોના પ્લેયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ખેલ મહાકુંભમાં દોડની રમતમાં વ્યક્તિગત રીતે ભાગ લઇ નસીબ અજમાવ્યું હતું.
સરિતાએ માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઇ. તેણીએ આ તમામ સફળતાનો યશ રાજ્ય સરકારના ખેલ મહાકુંભને આપ્યો છે. તેણીએ ગુજરાત સ્પોર્ટસ એકેડેમી, નડિયાદ ખાતે કોચ અજીમોન પાસે તાલીમ મેળવી હતી. તેણીએ તમામનો હ્રદયપુર્વકનો આભાર માન્યો છે. આ અગાઉ પણ સરિતા ગાયકવાડે રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સૂરત તરફથી ગોલ્ડ મૅડલ જીતીને, તેની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની દાવેદારી પાકી કરી હતી. જેના ફળ સ્વરૂપે એપ્રિલ, ૨૦૧૭માં અમેરિકાના નાસાઉ (બહામાસ) ખાતેના થોમસ રોબિન્સન સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન એથ્લેટિક્સ-૨૦૧૭માં સરિતાએ તેની પ્રબળ દાવેદારી સાથે સ્થાન મેળવીને, સમગ્ર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્યને પણ ગૌરવ અપાવ્યું હતું.
ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેતમજૂર પરિવારની ૨૩ વર્ષિય દીકરીએ અગાઉના વર્ષમાં જાન્યુઆરી માસમાં કોઇમ્બતૂર ખાતે યોજાયેલી ૪૦૦ મીટર, અને ૪૦૦ મીટર હર્ડલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને યુનિવર્સિટીને ગાલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યાંથી તે નેશનલ સ્પોટિ્ર્સ એકેડમી, પતિયાલા (પંજાબ)માં વધુ તાલીમ માટે રવાના થઇ હતી. તે અગાઉ સને ૨૦૧૬માં તેણીએ લખનૌ ખાતે યોજાયેલી ૫૬મી નેશનલ ઓપન એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ૪૦૦ મીટર (હર્ડલ્સ)માં ૫૯.૩૨ સેકન્ડ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરતા સીલ્વર મેડલ, અને ૪૦૦ મીટર દોડ પ૪.૫૬ સેકન્ડ સાથે પૂર્ણ કરી ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો.