અમદાવાદ: રાજ્યમાં નાની બાળકીઓ, સગીરાઓ અને યુવતીઓ સાથે જાતીય સતામણી, છેડતી અને દુષ્કર્મની ધટનાઓ થમવાનું નામ નથી લેતી, અને દિન પ્રતિદિન ઉલ્ટાની તે વધતી જાય છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક ૧૪ વર્ષીય સગીરા સાથે ૨૫ વર્ષના યુવકે દુષ્કર્મનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આરોપી યુવકે સગીરાને બહેલાવી ફોસલાવી પોતાની સાથે ગેસ્ટહાઉસમાં લઈ જઈ તેણીના ફોટા પાડ્યા હતા અને તેના આધારે બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલામાં સગીરાની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.
એટલું જ નહી, પોલીસે ગુનામાં વપરાયેલ બાઇક, કાર સહિતનો રૂ.૧.૮૭ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. હાલ આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં મોકલી અપાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદખેડા પાસે આવેલી સ્કુલના ગેટ આગળથી અને સાબરમતી ટોલનાકાથી અનાર નવાર આ યુવાન સગીરાનો પીછો કરતો હતો. સગીરાને લલચાવીને તેને મંદિરે લઈ જઈને તેમજ કલોલ પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ફોટા પાડી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. એટલું જ નહી, યુવક દ્વારા સગીરાને જો તેની સાથે સંબંધ નહી રાખે તો ફોટા સમાજમાં ફરતા કરવાની ધમકી આપી હતી, બાદમાં યુવકે તેણીને જબરજસ્તી બાથમાં લઈને લાફા પણ માર્યા હોવાની વાતનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સમગ્ર મામલામાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની આખરે ધરપકડ કરી લીધી હતી. ચાંદખેડા પોલીસે આરોપી યુવક પાસેથી સોનાની બે વીટી(કિંમત- રૂ.૭૨૦૦), સોનાની નાની ચુની ૭ નંગ( કિંમત-રૂ.૩૮૦૦), સોનાની કાનની બુટી બે જોડી(કિંમત-રૂ.૧૧૨૦૦) અને સેમસંગ કંપનીનો મોબાઈલ(કિંમત-રૂ.૫૦૦૦) તેમજ ઉપયોગમાં લીધેલી બાઈક(કિંમત- રૂ.દસ હજાર) અને એક કાર(કિંમત-રૂ.દોઢ લાખ) સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. પોલીસે સમગ્ર પ્રકરણમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી આખરે જયુડીશીયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.