અમદાવાદ: શહેરના જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા હવે કથિત ભ્રષ્ટાચારનાં આક્ષેપોમાં ઘેરાયા છે. સ્કૂલોને એનઓસી, ભરતી મંજૂરી અને ડમી સ્કૂલ સહિતના મામલાઓમાં નવનીત મહેતાની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવતાં શિક્ષણજગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વાલીઓમાં પણ ડીઇઓ નવનીત મહેતાના વર્તન અને વ્યવહારને લઇ ભારે નારાજગી અને રોષ જાવા મળી રહ્યો હતો.
આ સમગ્ર મામલે આગામી દિવસોમાં વધુ ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શકયતા છે. શહેરના શાહપુર વિસ્તારમાં ડીઇઓની મીઠી નજર હેઠળ કોઈપણ મંજૂરી વિના વર્ષોથી શમા સ્કૂલ ચાલી રહી છે. શાહપુરનાં વાહાઈ મીલ કમ્પાઉન્ડમાં આ સ્કૂલ ચાલી રહી છે. આ મામલે એક જાગૃત નાગરિકે ડીઇઓને અનેક વાર રજૂઆત કરવા છતાં ડીઇઓ કચેરી તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી બાજુ જમાલપુરની જ્ઞાનોદય હિન્દી સ્કૂલને વસ્ત્રાપુરમાં ટ્રાન્સફર અપાયું છે. મહત્વનું છે કે સ્કૂલને બોર્ડ કે શિક્ષણ વિભાગ પાંચ કિમીથી દૂર ટ્રાન્સફર ન આપી શકે તેમ છતાં અહીં સ્કૂલને ટ્રાન્સફર આપવામાં આવ્યું.
એટલું જ નહીં જ્ઞાનોદય સ્કૂલમાં વિદ્યાર્થીઓ ન હોવાં છતાં પણ બે શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેથી હવે એક પછી એક મુદ્દાઓને લઇ ડીઇઓ નવનીત મહેતા પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો લાગી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ અગાઉ નવનીત મહેતાના કથિત ભ્રષ્ટાચારને લઇ ભારે વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો, જેથી હવે આગામી દિવસોમાં આ મામલો ગરમાય તેવી પૂરી શકયતા છે. બીજીબાજુ, અમદાવાદ શહેર ડીઇઓ નવનીત મહેતા પર કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇ શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે.