ચેન્નાઈ: ડીએમકેમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા કરૂણાનિધિના મોટા પુત્ર એમકે અલાગિરીએ પોતાના ભાઈના ડીએમકે અધ્યક્ષ બન્યા બાદ સમાધાનના મૂડમાં હોવાના સંકેત આપી દીધા છે. આજે જ્યારે અલાગિરીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ ડીએમકેમાં પરત આવવા માટે તૈયાર છે પરંતુ સ્ટાલિન તેમને પરત લેવા તૈયાર નથી. અલાગિરીને ૨૦૧૪માં કરૂણાનિધિએ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી. તેઓ સ્ટાલિનના નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા.
પાંચમી સપ્ટેમ્બરના દિવસે ચેન્નાઈમાં એક રેલીની જાહેરાત પણ અલાગિરી કરી ચુક્યા છે. સ્ટાલિનના મોટાભાઈ અલાગિરીએ કરૂણાનિધિના અવસાન બાદ દાવો કર્યો હતો કે, કરૂણાનિધિના વાસ્તવિક અને નિષ્ઠાવાન કાર્યકરો તેમની સાથે છે. ડીએમકેના સ્થાપક કરૂણાનિધિના અવસાન બાદ મંગળવારના દિવસે પાર્ટી મહાપરિષદની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વર્ગસ્થ કરૂણાનિધીના પુત્ર એકે સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો.
આની સાથે જ તમિળનાડુના ઇતિહાસમાં હવે એક નવા યુગની શરૂઆત ડીએમકેમાં થઇ હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા એસ દુરાઇમુરુગન પાર્ટીના ખજાનચી બની ગયા ગયા હતા. કરૂણાનિધીના અવસાનના કારણે પાર્ટી પ્રમુખની જગ્યા ખાલી થઇ હતી. વર્ષ ૧૯૬૯ બાદથી કરૂણાનિધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા. મંગળવારે પાર્ટી હેક્વાર્ટસ ખાતે ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીના જનરલ સેક્રેટરી કે. અનબાઝગાને સ્ટાલિન પાર્ટી પ્રમુખ ચૂંટાયાહોવાની જાહેરાત કરી હતી. પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું હતું કે, સ્ટાલિન તરફથી ૧૩૦૭ નોમિનેશન દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટાલિન સામે કોઇએ પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી જેના પરિણામ સ્વરુપે સ્ટાલિન બિનહરીફ પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.