નવીદિલ્હી: રાફેલ ડિલ ઉપર કોંગ્રેસના આરોપો અંગે નાણામંત્રી અરુણ જેટલીએ આજે આંકડાઓને રજૂ કરતા રાહુલ ગાંધી ઉપર ખોટા નિવેદન કરવાનો આક્ષેપ કર્યો હતો. સર્જરી બાદ પ્રથમ વખત ઇન્ટરવ્યુમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસે કિંમતોને લઇને જે આક્ષેપો મુક્યા છે તે તથ્યાત્મક રીતે સંપૂર્ણપણે ખોટા છે. ૨૦૦૭ની રાફેલ ઓફરને લઇને રાહુલ ગાંધીએ પોતાના અલગ અલગ ભાષણમાં સાત વખત કિંમતો ગણાવી ચુક્યા છે. જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા જે રીતે વાત કરવામાં આવી રહી છે તે પ્રાયમરી સ્કુલના ડિબેટની જેવી છે.
નાણામંત્રીએ કહ્યું હતું કે, ૨૦૦૭ની સરખામણીમાં ૨૦૧૫માં થયેલી રાફેલ ડિલ રેટની દ્રષ્ટિએ ખુબ જ વ્યવÂસ્થત છે. બીજી બાજુ કોંગ્રેસે જેટલીના આક્ષેપોને રદિયો આપ્યો છે. જેટલીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી હાલમાં કહી રહ્યા છે કે, અમે ૫૦૦થી વધારે આપી રહ્યા હતા અને તમે ૧૬૦૦થી વધુ આપી રહ્યા છો. આ પ્રકારના તર્કથી જાણવા મળે છે કે તેમની સમજ કેટલી ઓછી છે. જેટલીએ કહ્યું હતું કે, તેઓ પોતે રાહુલને પુછવા માંગે છે કે, આ ડિલને કરવામાં અનિશ્ચિતકાળ સુધી વિલંબ કેમ કર્યો હતો. યુપીએ સરકારે આ ડિલને કોલ્ડસ્ટોરેજમાં કેમ મુકી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા એકે એન્ટોની રાફેલ ડિલ ઉપર જવાબ આપી શકે છે. આખરે યુપીએ સરકારે ૧૦ વર્ષ સુધી આ ડિલને લટકાવીને કેમ રાખી હતી. જેટલીએ રાહુલ ગાંધીના ડિલ ઉપર અલગ અલગ નિવેદનોને લઇને કહ્યું હતું કે, જયપુરમાં રાહુલ ગાંધીએ ૫૨૦ કરોડ અને ૫૪૦ કરોડ રૂપિયાના આંકડા એક ભાષણમાં આપ્યા હતા જ્યારે હૈદરાબાદમાં રાહુલ ગાંધીએ ૫૨૬ કરોડ રૂપિયાની રકમનો ઉલ્લેખ કર્યો હતો. જેટલીએ કહ્યું હતું કે, જે રીતે અલગ અલગ આંકડા રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે
તે દર્શાવે છે કે, તેમના નિવેદનમાં કોઇપણ વાસ્તવિકતા નથી. જેટલીએ ઉમેર્યું હતું કે, વાસ્તવિકતા માટે માત્ર એક વર્જન હોય છે જ્યારે ખોટી બાબતના અનેક વર્જન હોય છે. જેટલીએ કહ્યું હતું કે, કોઇ પણ તથ્ય વગર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારથી રાહુલ ગાંધીની નિવેદનબાજી રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડી રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ આના પર સ્પષ્ટ જવાબ આપે તેમ અમે ઇચ્છીએ છીએ. જેટલીએ કહ્યું હતું કે, ૨૦૦૭ની સરખામણીમાં વધુ સારી શરત પર રાફેલ સમજૂતિ કરવામાં આવી છે. રાફેલ પર રાહુલ ગાંધીની સમજ બિલકુલ ઓછી છે.
લોડેડ વિમાનના સિંગલ વિમાન સાથે સરખામણી કરી શકાય નહીં. વાસ્તવિકતા પીડિત બની ગઈ છે. રાફેલ ડિલ માટે ૨૦૧૫-૧૬ સુધી આશરે ૧૪ મહિના સુધી પ્રાઇઝ નિગોસિએશન કમિટિ અને કોન્ટ્રાક્ટ કમિટિની કંપની સાથે મિટિંગ થઇ હતી. જેટલીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરી હતી. કોંગ્રેસ પોતે બોફોર્સ કૌભાંડમાં ઘેરાયેલી રહી હતી. કોંગ્રેસ પાર્ટીએ જેટલીના આક્ષેપોને ફગાવી દીધા છે અને વળતા પ્રશ્નો કર્યા છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ડિલ ઉપર પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે, આ ૩૦૦૦૦ કરોડ રૂપિયાની ઓફસેટ છે. એચએએલ પાસેથી કરારને આંચકીને રિલાયન્સને આપી દેવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ દેખાય છે. યુપીએ સમયથી યોગ્યરીતે વાતચીત થઇ રહી હતી. જેટલીએ કહ્યું હતું કે, વાસ્તવિકતાને રાહુલ ખોટીરીતે રજૂ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરવાની વાત થઇ રહી છે. સરકાર મામલામાં સંપૂર્ણ પારદર્શકતા જાળવી રહી છે. ફાઇટર જેટની કિંમતો ઘટાડવામાં સરકારે ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે.