અમદાવાદ: અમદાવાદ શહેરમાં હવે વધુ એક નવા ઝોનનો ઉમેરો થશે. હાલ અમદાવાદ શહેર કુલ છ ઝોનમાં વહેંચાયેલું છે ત્યારે હવે શહેર કુલ સાત ઝોનમાં વહેંચાઇ જશે. વહીવટી સરળતા અને નાગરિકોને અસરકારક સેવા પૂરી પાડવાના ભાગરૂપે નવા પશ્ચિમ ઝોનને બે ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. જેથી હવે નવા પશ્ચિમ ઝોન-૧ અને નવા પશ્ચિમ ઝોન-૨ એમ બે ભાગમાં વિભાજન થશે. નવા વિભાજન પ્રમાણે નવા સંકુલ, ઓફિસ અને સ્ટાફ પણ સત્તાધીશો દ્વારા તૈનાત કરવામાં આવશે. નવા પશ્ચિમ ઝોન-૧માં સરખેજ, મકતમપુરા, જોધપુર, વેજલપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે નવા પશ્ચિમ ઝોન-૨માં બોડકદેવ, થલતેજ, ગોતા અને ઘાટલોડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ શહેરની ૬ ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. શહેરનાં વસ્તી અને વિસ્તારને આધારે નવા ઝોન પણ બનાવવામાં આવ્યાં છે. અમદાવાદનાં ૬ ઝોનમાં વધુ એક ઝોન ઉમેરાશે. નવા પશ્ચિમ વિસ્તારમાં ઝોનનાં ભાગલાં પાડીને વધુ નવો એક ઝોન ઉમેરવાનો કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
નવા પશ્ચિમ ઝોન-૧ અને નવા પશ્ચિમ ઝોન-૨નાં નામ રહેશે. આમ, હવે અમદાવાદ શહેર કુલ ૭ ઝોનમાં વહેંચાશે. બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયાનો નવો એક ઝોન બનશે. જયારે બીજા ભાગમાં વેજલપુર, સરખેજ, જાધપુર, મકતમપુરાનો સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે નવો પશ્ચિમ વિસ્તાર ૧૫૩ કિમી જેટલો લાંબો છે. જે કારણોસર અમ્યુકોને વહીવટમાં અગવડતા પડી રહી હતી, ત્યારે આ વહીવટી સરળતા માટે આ યોગ્ય નિર્ણય લેવાયો છે. ૭માં ઝોનમાં નવા સંકુલ સાથે નવા ડે.કમિશ્નર અને ઓફિસ સ્ટાફની પણ નિમણૂંક કરાશે. જેથી નાગરિકોને વધુ સારી, ઝડપી અને અસરકારક સેવા પૂરી પડાશે તેવો દાવો સત્તાવાળાઓએ કર્યો હતો.