શ્રીનગર: જમ્મુકાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મુનવાર્ડમાં આજે સવારે થયેલી ભીષણ અથડામણમાં બે ત્રાસવાદીઓ ઠાર થયા છે. ઠાર કરાયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કલાકો સુધી ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. ત્રાસવાદીઓની સામે પોલીસ, આર્મી સહિત કેન્દ્રીય દળોની ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ. કાર્યવાહી દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. સાવચેતીના પગલારૂપે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સેવા બંધ કરવામાં આવી હતી. તમામ લોકો જાણે છે કે દક્ષિણકાશ્મીરમાં પુલવામાં સેનાના વાહનને મંગળવારે ફુકી મારવાનો પ્રયાસ ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સેના અને સુરક્ષા દળો દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના કારણે ત્રાસવાદીઓ ફફડી ઉઠ્યા છે.
ત્રાસવાદીઓ હવે તેમની હાજરી પુરવાર કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીરમાં અગાઉ રવિવારે ૨૬મી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી. જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારમાં સવારે અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ ત્રાસવાદીઓ નવા આતંકવાદી સંગઠનમાં હાલમાં જ ભરતી થયા હતા અને એલઓસી પાર કરીને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા.
સેનાને માહિતી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર નવા ભરતી કરવામાં આવેલા ત્રાસવાદી અલબદરના ત્રણ ત્રાસવાદીઓની સૂચના હેઠળ એલઓસી પાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગાળા દરમિયાન ત્રાસવાદીઓને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા. છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ આ ત્રાસવાદીઓ ફરાર થઇ શક્યા ન હતા. ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટાપ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. અથડામણ બાદ સુરક્ષા દળોએ શરણાગતિ સ્વીકારવા માટે ત્રાસવાદીઓને કહ્યું હતું. ત્રાસવાદીઓ સામે હાલમાં નિર્ણાયક ઓપરેશન ચાલી રહ્યા છે જેના ભાગરુપે લશ્કરે તોઇબા અને જૈશના ત્રાસવાદીઓ સહિત તમામ આતંકવાદી સંગઠનોમાં ખળભળાટ મચેલો છે.
ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ સાબિત થઇ રહ્યા નથી. ત્રાસવાદીઓ લીડરોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આ વર્ષે ૮૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. સુરક્ષા દળો અને ખાસ કરીને સેના દ્વારા જોરદાર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્રાસવાદીઓ સામે તાજેતરના સમયમાં જોરદાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓનો જોરદાર રીતે સફાયો કરવામાં આવ્યો છે. હાલમાં સ્થિતી એવી થઇ છે કે ત્રાસવાદી સંગઠનમાં લીડર બનવા માટે કોઇ તૈયાર નથી.