અમદાવાદ: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે ૫૧ વર્ષીય મૂળ ભારતીય અને સંયુકત આરબ અમીરાતની પ્રવાસી સંગીથા શ્રીધર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શો અને સ્વચ્છ ઇÂન્ડયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનને દેશભરમાં અસરકારક રીતે અમલી બનાવવા અને સમગ્ર દેશવાસીઓમાં આ અંગેની પ્રબળ લોકજાગૃતિ જગાવવાના ઉમદા આશય સાથે આ મક્કમ મનોબળવાળી મહિલા સંગીથા શ્રીધરે ભારતભરની પરિભ્રમણ યાત્રા શરૂ કરી છે. ટાટા હેક્સા કારમાં જ પોતાનું નાનું અમથું ઘર બનાવીને સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે તા.૧૨ ઓગસ્ટે મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયાથી એકલીઅટૂલી નીકળેલી સંગીથા શ્રીધરે અત્યારસુધીમાં ભારતમાં ૩૦ જુદા જુદા શહેરોની યાત્રા પૂર્ણ કરી છે અને આશરે ૩૫૦૦થી વધુ કિલોમીટરના અંતરનો પ્રવાસ કર્યો છે.
સંગીથા શ્રીધર કલીન ઇન્ડિયાની અનોખી ઝુંબેશ સાથે આશરે ૩૦હજારથી પણ વધુ કિલોમીટરની યાત્રા સાથે સમગ્ર ભારત દેશની યાત્રા તા.૧૨ ફેબ્રુઆરી,૨૦૧૯ના રોજ પૂર્ણ કરશે. ભારત દેશને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે નીકળેલી અને અમદાવાદ આવી પહોંચેલી ૫૧ વર્ષીય સંગીથા શ્રીધરે પોતાની અનોખી ઝુંબેશ અંગે વાતચીત કરતાં જણાવ્યું કે, તેણી સાચા અર્થમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શો અને નૈતિક મૂલ્યોને દેશમાં અમલી બનાવવા અને લોકોમાં તે પાલન કરાવવા ઇચ્છે છે. આ માટે લોકોમાં સ્વયં જાગૃતિ કેળવાય તે માટે તે દેશભરમાં શહેર-શહેર ફરીને લોકોને જાગૃત કરી રહી છે અને દેશવાસીઓને તેઓ જયાં રહે છે, તે સોસાયટી, શેરી, મહોલ્લો, વિસ્તાર અને રાજય સ્વચ્છ કરવા અને રાખવા સતત સમજાવી રહી છે, તેઓને જાગૃત કરી રહી છે અને પ્રેરણા પૂરી પાડી રહી છે.
જા શેરી, મહોલ્લો, વિસ્તાર અને રાજય સ્વચ્છ બનશે તો, આપોઆપ આપણો દેશ એકદમ સ્વચ્છ અને સુંદર બની જશે. સ્વચ્છતાના પગલે આરોગ્યપ્રદ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ પણ શકય બનશે. સમગ્ર દેશની પરિભ્રમણ યાત્રાએ નીકળેલી સંગીથા શ્રીધરે તેની આ પડકારજનક સફર વિશે જણાવ્યું કે, તેણે ટાટા હેક્સા એસયુવી કારમાં જ તેનું જાણે નાનકડું ઘર બનાવી દીધું છે. આ માટે તેણે કારમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે. કારમાંથી તેણે બે સીટ કાઢી નાંખી ત્યાં સૂવા માટેની સ્લીપીંગ એરેન્જમેન્ટ કરી દીધી છે. તો, સોલાર પેનલ પણ કાર પર લગાવી દીધી છે, જેના મારફતે ઇલેક્ટ્રીકસીટી જનરેટ થાય છે અને તેણીને લાઇટ, પંખો અને લેપટોપ સહિતના ઉપરકરણોની સુવિધા પ્રાપ્ય બની રહે છે. તેણી કોઇના ઘેર કે હોટલ-સંસ્થામાં પણ રોકાતી નથી, તે કારમાં જ ખાવા-પીવાનું અને સૂવાનું મુનાસીબ માને છે.
હાલ તે, રોજના ૩૦૦ કિલોમીટરના પ્રવાસ સાથે અંતર કાપી રહી છે અને રોજ પાંચથી આઠ કલાક સુધીનું ડ્રાઇવીંગ કરે છે. ભારતભરની યાત્રા મારફતે કલીન ઇન્ડિયાની ઝુંબેશને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની આ સફરમાં તેનો કુલ અંદાજિત ખર્ચ રૂ.૭.૫ લાખ થવાનો છે, જે તમામ તેણીના પર્સનલ સેવિંગ્સમાંથી કરી રહી છે. કલીન ઇન્ડિયા અભિયાનની પ્રેરણા તમને કેવી રીતે મળી એ મતલબના એક પ્રશ્નના જવાબમાં સંગીથા શ્રીધરે જણાવ્યું હતું કે, તેણીના પિતા અબુધાબીમાં ઇ-ગવર્મેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા, તેમણે જૂલાઇ-૨૦૧૬માં તેમના મૃત્યુ પહેલાં તેણીને ઝંઝોળી હતી કે, તું અહીં અબુધાબીમાં તો સારૂ કામ કરી રહી છે પરંતુ આપણા દેશમાં કોણ કામ કરશે, ત્યાં કોણ જાગૃતિ ફેલાવશે… બસ આ વાત મને સ્પર્શી ગઇ અને મને કંઇક અલગ કરવાની ખાસ કરીને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના જગાવી. તેથી મેં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શોને સાચા અર્થમાં અમલી બનાવવા દેશભરમાં યાત્રા કરવાની ઝુંબેશનું બીડું ઝડપ્યું. હું તમામ શહેરોમાં ફરી ફરીને સ્થાનિક લોકોને, સ્કૂલ-કોલેજના બાળકોને, સ્થાનિક આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના જાગૃત અગ્રણીઓને મળીને સ્વચ્છતા અભિયાન માટે જાગૃત કરી રહી છું અને તેનું સાચા અર્થમાં પાલન કરવા સંકલ્પ લેવડાવી રહી છું. મને લોકોનો બહુ જોરદાર અને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.