અમદાવાદ: શહેરના નિર્ણયનગર સેકટર ચાર પાસે વીજ કરંટ લાગતા અમ્યુકોના પેટા કોન્ટ્રાકટરના બે મજૂરોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. તો, સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નિર્ણયનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના ખોદકામનો કોન્ટ્રાકટ અમ્યુકો દ્વારા ડિજિટલ એન્જીનીયરીંગ પ્રા.લિને અપાયો હતો, તેણે આ કામ ગણપતભાઇ મેઘજીભાઇ પરમારને સોંપ્યુ હતું.
ખોદકામ દરમ્યાન કોર્પોરેશનની વીજલાઈન બંધ હતી. પરંતુ ટોરેન્ટ પાવરની લાઈન હોવાથી મજૂરોએ ત્રિકમ દ્વારા ખાડો ખોદવા જતા ત્રિકમ અને વીજ વાયરનો સંપર્ક થયો હતો. જેના કારણે સીતારામ વલીભાઇ પઢાર અને નિઝામભાઇ પઢાર નામના બન્ને મજૂરોને જારદાર વીજકરંટ લાગતાં તેઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
બંને મજૂરોના વીજકરંટ લાગવાથી મોત થવાના સમાચારને પગલે સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. નિર્ણયનગર સેક્ટર ચાર પાસે બનેલા બનાવને લઇને ભારે સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની ચર્ચામાં સામેલ રહેલા લોકોએ એમ પણ કહ્યું હતું કે, આ બનાવમાં બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. હાઈવોલ્ટેજ વિજ લાઈનમાં ખોદકામ વેળા સાવચેતી રાખવાની હોય છે પરંતુ આમા સાવચેતી રાખવામાં આવી નથી.