અમદાવાદ: અમદાવાદના રખિયાલ-અમરાઈવાડી રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના પટાંગણમાં આગામી દિવસોમાં ભવ્ય શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ-પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાગરવેલ હનુમાન ટ્રસ્ટી મંડળ અને સમસ્ત ભક્તગણ મંડળ દ્વારા મંદિરના મહંત સ્વામીશ્રી રંગનાથાચાર્યજી મહારાજના સાનિધ્યમાં શ્રી જગદીશભાઈ નંદરામ લોધા સમસ્ત પરિવારના યજમાનપદે તા. ૩૧-૦૮-૨૦૧૮થી તા. ૮-૯-૨૦૧૮ દરમ્યાન બપોરે ૩-૦૦થી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રામકથાના મુખ્ય કથાકાર માનસ રાજહંસ આચાર્ય સ્વામી તુલસી કિંકરજી મહારાજ કથા મહાત્મ્ય, શિવ વિવાહ, રામ પ્રાગટ્ય, રામ વનવાસ, સુંદરકાંડ કથા, રામેશ્વર સ્થાપના, રામરાજ્ય જેવા વિવિધ પ્રસંગો અનુરૂપ જુદા જુદા દિવસોએ ભક્તજનોને રસપાન કરાવશે. શ્રી રામકથાની પોથીયાત્રા તા. ૩૧-૦૮-૨૦૧૮ સવારે ૧૦-૦૦ કલાકે અને ભંડારો તા. ૯-૯-૨૦૧૮ના રોજ ૧૧-૦૦ વાગે રાખવામાં આવ્યા છે.
શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ પારાયણને લઇ ભકતજનો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ જાવા મળી રહ્યો છે. નવ દિવસની કથા-પારાયણ દરમ્યાન વિવિધ ધાર્મિક અને ભકિતસભર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાગરવેલ હનુમાન ટ્રસ્ટી મંડળ અને સમસ્ત ભક્તગણ મંડળ દ્વારા આ શ્રી રામકથા અને જ્ઞાનયજ્ઞ પારાયણને લઇ ભારે જહેમત ઉઠાવી છે અને સુંદર વ્યવસ્થા કરી છે કે, જેથી શ્રધ્ધાળુ શ્રોતાજનો અને કથારસિકોને કોઇપણ જાતની અગવડ કે તકલીફ ના પડે. નવ દિવસ સુધી શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે ભકિતનો માહોલ છવાશે.