નવી દિલ્હી: વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટના મામલામાં આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિતની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે ટળી ગઈ હતી. જસ્ટિસ યુયુ લલિતે આજે પુરોહિતની અરજી ઉપર સુનાવણીથી પોતાને અલગ કરી લીધા હતા. હવે નવી બેંચ દ્વારા પુરોહિતની અરજી ઉપર સુનાવણી કરવામાં આવનાર છે. હકીકતમાં પુરોહિતે પોતાની અરજીમાં પોતાને કાવતરા હેઠળ ફસાવી દેવાના આરોપ લગાવીને કોર્ટની દેખરેખમાં સીટની રચનાની માંગ કરી હતી.
આ પહેલા પુરોહિતે સુપ્રીમ કોર્ટેમાં અરજી દાખલ કરીને પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને પડકાર ફેંક્યો હતો. આ પહેલા મુંબઈ હાઈકોર્ટે મામલામાં કર્નલ પુરોહિત અને સમીર કુલકર્ણીની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને ચાર સપ્તહની અંદર જવાબ આપવા માટે આદેશ કર્યો છે. ગયા વર્ષે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ શ્રીકાંત પુરોહહિતને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા હતા. કર્નલ પુરોહિત છેલ્લા નવ વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને અસ્વીકાર કરીને જામીન આપ્યા હતા. પુરોહિતે સુપ્રીમ કોર્ટમાં ધારદાર રજૂઆત કરી હતી. પુરોહિતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવ્યા હતા.
પુરોહિતે એટીએસ ઉપર તેમને ફસાવવાના આક્ષેપ કર્યા હતા. એનઆઈએ અને સરકારના વકીલો તરફથી દલીલો કરવામાં આવી હતી કે, કર્નલ પુરોહિત આ સમગ્ર મામલામાં મુખ્ય આરોપી છે અને તેમને જામીન મળવા જાઇએ નહીં. એનઆઈએ તપાસને અસર કરી શકે છે પરંતુ કોર્ટે આ તમામ દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે આ બાબતની પણ નોધ લીધી હતી કે, મામલાની ચકાસણી દરમિયાન લાંબા સમય સુધી આરોપીને જેલમાં રાખવામાં આવ્યા હતા.
૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે માલેગાંવમાં એક બાઈકમાં બોંબ લગાવીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં આઠ લોકોના મોત થયા હતા અને આશરે ૮૦ લોકો ઘાયલ થયા હતા. સાધ્વી અને પુરોહિતને ૨૦૦૮માં પકડી લેવામાં આવ્યા હતા ત્યારબાદથી જેલમાં હતા. તપાસ સંસ્થાના કહેવા મુજબ આ વિસ્ફોટને દક્ષિણપંથી સંગઠન અભિનવ ભારત દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. એનઆઈએના કહેવા મુજબ પુરોહિતે કાવતરા રચવા માટે યોજાયેલી બેઠકોમાં સક્રિયરીતે ભાગ લીધો હતો. પુરોહિતે ધારદાર દલીલો કરી હતી. ચકચારી કેસની દેશભરમાં ચર્ચા રહી છે. ઘણા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.