ન્યુયોર્ક: યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયશીપ મુખ્ય રીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને પ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે.
કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે. આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક પણ રહેશે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરવામાં આવી છે.