અમદાવાદ: ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થિત ઓઢવ વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાના શિવમ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરના બ્લોક ધરાશાયી થવાના મામલામાં બચાવ અને રાહત કામગીરી મોડે સુધી ચાલી હતી. આજે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવાઈ હતી. ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં એકનું મોત થયું હતું અને બાકીના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઓઢવ વિસ્તારમાં સ્થિત ચાર માળની ઇમારત ધરાશાયી થઇ ગઈ હતી. તરત જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફની ટુકડીને પણ બોલાવવામાં આવી તી.
એવું જાણવા મળી રહ્યું છે કે, હજુ પણ શિવમ ફ્લેટમાં બનેલા અન્ય ૭૦ બ્લોક ભયજનક સ્થિતિમાં છે. ઓઢવ ખાતેના ગરીબ આવાસ યોજનાના કુલ ૭૦ બ્લોક પૈકી બે બ્લોક ગઇ કાલે સાંજે પત્તાનાં મહેલની જેમ ધરાશાયી થવાથી રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. આ દુર્ઘટનાના પગલે અમ્યુકો તંત્રની સાથે સાથે કલેકટોરેટ અને સરકારી તંત્ર પણ દોડતું થઇ ગયું હતુ. ઓઢવની દુર્ઘટના બાદ અમ્યુકો સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને હવે શહેરની આવી તમામ જર્જરિત અને ભયજનક ઇમારતોનો સર્વે હાથ ધરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, ઓઢવ ઇન્દિરા ગરીબ આવાસ યોજનામાં બ્લોક નંબર-૨૮ ખાલી કરવાની આજે અમ્યુકો સત્તાધીશોએ નોટિસ આપી છે તો, ગઇકાલની ઓઢવની ઇન્દિરા આવાસ યોજનાના બે બ્લોક ધરાશયી થયા બાદ ફફડી ઉઠેલા અન્ય બ્લોકના રહીશો પણ પોતાના મકાનો ખાલી કરી સ્થળાંતર કરી રહ્યા છે.
દર વર્ષે એક અથવા અન્ય સ્થળે જર્જરિત મકાનો જમીનદોસ્ત થઇને નિર્દોષ નાગરિકોનો ભોગ લે છે તેમ છતાં નધરોળ તંત્ર દ્વારા આવા મકાનોનો સર્વે કરાવવાની તસ્દી આજ દિન સુધી લેવાઇ નથી. જો કે હવે ઓઢવની દુર્ઘટના બાદ અમ્યુકો શાસકોએ શહેરના ભયજનક મકાનોનો સર્વે કરાવવાની જાહેરાત કરી છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે રથયાત્રા અગાઉ પરંપરાગત રીતે રથયાત્રા રૂટનાં મકાનોનો સર્વ કરાય છે. આ રૂટ પરનાં ર૦૦થી રપ૦ મકાનને ભયજનક તરીકે અલગ તારવીને પછી તંત્ર દ્વારા જે તે મકાનના કબજેદારને નોટિસ આપ્યા બાદ સિફતપૂર્વક સમગ્ર બાબતને ભૂલાવી દેવાય છે. ગત વર્ષે ચોમાસામાં પાંચથી વધુ ભયજનક મકાન તૂટી પડતાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ તો ભયજનક મકાનનો મામલો દર વખતે ચોમાસા દરમ્યાન ઊઠે છે પરંતુ ઓઢવની દુર્ઘટનાને પગલે હવે રહી રહીને શાસકોનું ભયજનક મકાનોની ગંભીરતા પ્રત્યે ધ્યાન દોરાયું છે.
આ અંગે મેયર બીજલબહેન પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઓઢવની દુર્ઘટના બાદ તંત્રને અન્ય ભયજનક મકાનોનો તાકીદે સર્વે કરાવીને તેને લગતો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અપાઇ છે. તંત્રના રિપોર્ટના આધારે તત્કાળ ભયજનક મકાનોને ખાલી કરાવાશે. જેનાથી ભવિષ્યમાં આવી કોઇ દુર્ઘટના સમયે કોઇ જાનમાલ હાનિથી નાગરિકોને બચાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતા મધ્ય ઝોનમાં બે હજારથી વધારે ભયજનક મકાનો છે. અન્ય ગામતળ સહિત વિસ્તારમાં પણ સેંકડો જર્જરિત મકાનમાં લોકો ફફડતા જીવે રહે છે.
જો કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા દાયકાઓ જૂના મકાન અંગે આજદિન સુધી ગંભીરતાપૂર્વક કોઇ આયોજન ઘડાયું નથી. અનેક સ્લમ ક્વાર્ટર્સ, સ્ટાફ ક્વાર્ટર્સ પણ પડું પડું હાલતમાં છે. ખુદ ફાયરબ્રિગ્રેડનાં અનેક કવાર્ટર્સ પણ રહેવા લાયક નથી પરંતુ અમદાવાદને સ્માર્ટ સિટી અને ડિજિટલ સિટી બનાવવાની ગુલબાંગો પોકારતા શાસકોને જમીન પરની વાસ્તવિકતા દેખાતી નથી અથવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં રચ્યાપચ્યા રહેવાના કારણે જોવાની ફુરસદ નથી. પણ હવે તંત્રએ ગંભીર બની આ સમગ્ર મામલે અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી નગરજનોના જાનમાલના રક્ષણના હિતમાં કરવી જ રહી.