વોશિગ્ટન: અમેરિકાના ફ્લોરિડા સ્થિત જેક્સનવિલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થતા સનસનાટી મચી ગઇ છે. એમ કહેવામાં આવે છે કે જેક્સનવિલ લેન્ડિંગ એરિયામાં એક રેસ્ટોરન્ટની નજીક કેટલાક શકમંદોએ એકાએક ગોળીબાર શરૂ કરી દીધો હતો. ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યા બાદ ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. લોકોમાં બાગદોડ મચી ગઇ હતી. હુમલામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘટના બાદ સ્થાનિક પોલીસે જેક્સનવિલ તરફ દોરી જતા તમામ માર્ગોને બંધ કરી દીધા હતા. હાલમાં શોધખોળ ચાલી રહી છે.
ગોળીબાર કરનાર એક શખ્સને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પ્રારંભિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જેક્સનવિલમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોર પૈકી એકને ઠાર કરી દેવામાં આવ્યો છે જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બીજા હુમલાખોર ગોળીબાર કરનાર હતો કે કેમ તે અંગે હજુ માહિતી મળી શકી નથી. પોલીસે બનાવ બાદ જેક્સનવિલના લેન્ડિંગ વિસ્તારને બંધ કરી દઇને તપાસ હાથ ધરી છે. શનિવારના દિવસે રજા હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. હુમલાખોરના સંબંધમાં માહિતી મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે.