શ્રીનગર: સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીરમાં આજે મોટી સફળતા હાથ લાગી હતી. જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારમાં સવારે અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા તમામ ત્રાસવાદીઓ નવા આતંકવાદી સંગઠનમાં હાલમાં જ ભરતી થયા હતા અને એલઓસી પાર કરીને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા. સેનાને માહિતી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર નવા ભરતી કરવામાં આવેલા ત્રાસવાદી અલબદરના ત્રણ ત્રાસવાદીઓની સૂચના હેઠળ એલઓસી પાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ગાળા દરમિયાન ત્રાસવાદીઓને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા. છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ આ ત્રાસવાદીઓ ફરાર થઇ શક્યા ન હતા. ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટાપ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. અથડામણ બાદ સુરક્ષા દળોએ શરણાગતિ સ્વીકારવા માટે ત્રાસવાદીઓને કહ્યું હતું. અલબદરના ત્રણ ત્રાસવાદીઓ ફરાર થવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જો કે, ચાર ત્રાસવાદીઓ પકડાઈ ગયા હતા. ત્રાસવાદીઓ સામે હાલમાં નિર્ણાયક ઓપરેશન ચાલી રહ્યા છે જેના ભાગરુપે લશ્કરે તોઇબા અને જૈશના ત્રાસવાદીઓ સહિત તમામ આતંકવાદી સંગઠનોમાં ખળભળાટ મચેલો છે. ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ સાબિત થઇ રહ્યા નથી. ત્રાસવાદીઓ લીડરોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આ વર્ષે ૮૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. સુરક્ષા દળો અને ખાસ કરીને સેના દ્વારા જોરદાર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.