નવીદિલ્હી: જાહેર ક્ષેત્રની બેંક (પીએસબી)ની ૭૦થી વધુ વિદેશી શાખાઓ બંધ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ખર્ચના મોરચા ઉપર સ્થિતિને મજબૂત કરવાના હેતુસર આશરે ૭૦ વિદેશી શાખાઓ અથવા તો ઓફિસોને બંધ કરવા અથવા તો તર્કસંગત બનાવવાની દિશામાં કામ થઇ રહ્યું છે. બિનજરૂરી વિદેશી સંચાલનને બંધ કરવામાં આવશે. કાર્યકુશળતા હાસલ કરવા માટે એક જ શહેર અથવા તો આસપાસના વિસ્તારોમાં કેટલીક શાખાઓને તર્કસંગત બનાવવામાં આવશે. આજ દિશામાં જાહેર ક્ષેત્રની બેંકની ચાલુ નાણાંકીય વર્ષમાં ૭૦ વિદેશી શાખાઓને બંધ કરવા અથવા તો તર્કસંગત બનાવવાની યોજના રહેલી છે.
ગયા વર્ષે સરકારી બેંકોએ ૩૫ વિદેશી શાખાઓ બંધ કરી નાંખી હતી. આંકડાઓના કહેવા મુજબ જાહેર ક્ષેત્રની વિદેશોમાં ૧૫૯ શાખાઓ ચાલી રહી છે જે પૈકીની ૪૧ શાખાઓ ૨૦૧૬-૧૭માં નુકસાનમાં ચાલી રહી હતી. ભારતીય સ્ટેટ બેંકની નવ વિદેશી શાખાઓ નુકસાનમાં ચાલી રહી છે જ્યારે બેંક ઓફ ઇંડિયાની આઠ અને બેંક ઓફ બરોડાની સાત શાખાઓ નુકસાનમાં ચાલી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકોની ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી આશરે ૧૬૫ વિદેશી શાખાઓ ઉપરાંત સંયુક્ત કામગીરી અને પ્રતિનિધિ ઓફિસો પણ રહેલી છે. એસબીઆઈની સૌથી વધારે વિદેશી શાખાઓ બાવન રહેલી છે.
ત્યારબાદ બેંક ઓફ બરોડાની ૫૦ અને બેંક ઓફ ઇંડિયાની ૨૯ શાખાઓ રહેલી છે. સરકારી બેંકોની સૌથી વધુ શાખા બ્રિટનમાં ૩૨, હોંગકોંગમાં ૧૩ અને સિંગાપોરમાં ૧૨ છે. ગયા વર્ષે પીએસબી મંથનમાં બેંકિંગ ક્ષેત્રના એજન્ડાને લઇને ચર્ચા થઇ હતી અને તર્કસંગત બનાવવાનો મુદ્દો ચમક્યો હતો જેના આધારે હવે આ દિશામાં પહેલ કરાઈ રહી છે.