નવી દિલ્હી: રેલવે દ્વારા સુધારવામાં આવેલી ફ્લેક્સી ભાડા સ્કીમ આગામી મહિનામાં રજૂ કરવામાં આવી શકે છે જેના પરિણામ સ્વરુપે યાત્રીઓને કેટલીક રાહત મળી શકે છે.યાત્રીઓ પ્રિમિયમ ટ્રેનો માટે વિમાની ભાડા જેટલી જ રકમ ખર્ચ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રેલવે દ્વારા આ સ્કીમને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરીને સુધારવામાં આવેલી સ્કીમ લાવવામાં આવી રહી છે. કેટલીક ઓળખી કાઢવામાં આવેલી ટ્રેનોમાં વ્યસ્ત મહિનાઓ સિવાયના ગાળામાં અનુભવ જાયા બાદ આ નિર્ણય કરાયો છે.
વ્યસ્ત ગાળા સિવાય કેટલીક ટ્રેનોમાં ૩૦ ટકા ટ્રેન જ ભરેલી હોય છે. અન્ય વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. હમસફર ટ્રેનોમાં ઉપયોગ કરવામાં આવી રહેલી ફોર્મ્યુલાના આધાર પર આ સ્કીમમાં સુધારા ચાલી રહ્યા છે. હમસફર ટ્રેનોમાં પ્રથમ ૫૦ ટકા બર્થ મૂળભૂત કિંમત કરતા ૧૫ ટકા ઉંચી કિંમતે વેચવામાં આવે છે. જ્યારે આ સ્લેબ ત્યારબાદ વેચાતી બર્થના દરેક ૧૦ ટકા સાથે બદલાઈ જાય છે. આવી જ રીતે સરકાર ઓછા વ્યસ્ત રુટ ઉપર આ સ્કીમ હેઠળ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લાવવાના વિકલ્પ ઉપર પણ કામ કરી રહી છે. આ પ્રકારની એક યોજના માટે અંતિમ સ્વરુપ આગામી સપ્તાહમાં આપવામાં આવી શકે છે.
અધિકારીઓના કહેવા મુજબ યાત્રીઓને આના લીધે ચોક્કસપણે ફાયદો થશે. આંકડાઓની વાત કરવામાં આવે તો પ્રિમિયમ ટ્રેનો દ્વારા નવમી સપ્ટેમ્બર ૨૦૧૬થી લઇને જુલાઈ ૨૦૧૭ના પોસ્ટ ફ્લેક્સીના ગાળા દરમિયાન ૨.૪૦ કરોડ યાત્રીઓને યાત્રા કરાવી છે. કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ૯મી સપ્ટેમ્બર ૨૦૧૫થી ૩૧મી જુલાઈ ૨૦૧૬ વચ્ચેના પ્રિફ્લેક્સીના ગાળા દરમિયાન ૨.૪૭ કરોડ યાત્રીઓને યાત્રા કરાવી હતી. કેગના આ અહેવાલ બાદ રેલવે દ્વારા જુદા જુદા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવી રહી છે જેને લઇને ટૂંકમાં નિર્ણય થશે.