અમદાવાદ: દેશભરમાં જીએસટી લાગુ થયા પછી પણ ટેક્સચોરી કરનાર વેપારીઓ સામે હવે સરકારી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જીએસટી નંબર લીધા પછી જે વેપારીએ અત્યાર સુધી એક પણ ટેક્સ ભર્યો નથી કે જીએસટી રિટર્ન ફાઈલ કર્યું નથી તેવા અમદાવાદ શહેર અને જિલ્લાના ૬,૦૦૦થી વધુ વેપારીઓના નંબર રદ કરવામાં આવ્યા છે.
તંત્રના આ શિક્ષાત્મક નિર્ણયને પગલે સમગ્ર વેપારીઆલમમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. જો કે, તંત્ર દ્વારા હજુ એક વખત વેપારીઓને તક પૂરી પાડવાનું જણાવાયું છે અને તેમાં જો તમામ રિટર્ન ફાઇલ કરવા સાથે વેપારીઓ પેનલ્ટી અને વ્યાજની રકમ ચૂકવી દેશે તો તેઓને ફરી નંબર અપાશે.
જીએસટીના નિયમ મુજબ ઉપરાઉપરી જે વેપારીઓ છ વખત સુધી રિટર્ન ફાઈલ કરતા નથી તેમના નંબર રદ કરી દેવામાં આવે છે. આવા નંબર રદ થઈ ગયા છે તેવા વેપારીઓને હવે ફરી નંબર લેવા માટે એપ્લાય કરવું પડશે, પરંતુ તંત્ર આવા વેપારીઓ પાસેથી દરેક દિવસના રૂ. ૫૦ પેનલ્ટી પેટે અને ટેક્સ નથી ભરાયો તેના પર ૧૮ ટકા વ્યાજની વસૂલી કરશે. જે વેપારીઓ માઈગ્રેટ નથી થઈ શક્યા તેવા વેપારીઓ માટે માઈગ્રેટ થવાની અંતિમ મુદત તા.૩૧ ઓગસ્ટ છે. આ પછી તેઓ માઈગ્રેટ થઈ શકશે નહીં. જે વેપારીઓના જીએસટી નંબર રદ થયા છે તે વેપારીઓને મોટું નુકસાન થશે એટલું જ નહીં, તેમની સાથે વેપાર કરનારાઓને પણ મોટું નુકસાન થશે. જે વેપારીનો નંબર રદ થયો હશે તે વેપારીને તો ખરીદી પરની આઈટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) મળવાપાત્ર થતી નથી.
નંબર રદ થવા બાબતે જીએસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વેપારીઓના નંબર રદ થઈ ગયા છે તેમને ફરી એક તક આપવામાં આવી છે. તેમના માટે રાહતની વાત એ છે કે તેઓ ફરી વખત નંબર લઈ શકે છે. તે માટે વેપારીએ જીએસટી ઓફિસે અપીલ અરજી કરવાની રહેશે. આ અરજી મળ્યા બાદ અધિકારીએ જરૂરી પ્રક્રિયા કરીને જીએસટીની વેબસાઈટમાં માહિતી આપવાની રહેશે. નંબર મેળવવા માટે વેપારીએ જેટલા રિટર્ન ભરવાના બાકી હશે તે તમામ રિટર્ન તો ફાઈલ કરવાનાં રહેશે જ, પરંતુ તેની સાથે વ્યાજ અને પેનલ્ટીની રકમ પણ ચૂકવવી પડશે.
કેટલાક વેપારીઓ વેબસાઈટ બરાબર નહીં ચાલતી હોવાના કારણે રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ વિભાગનું કહેવું છે કે શરૂઆતના તબક્કે ટેકનિકલ ક્ષતિની સમસ્યાઓ હતી, જેથી હવે રિટર્ન ફાઈલ ન કરવા બાબતને તેની સાથે કાંઈ લેવા-દેવા નથી. વેપારીઓએ તંત્રની મનસ્વી કામગીરી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં વેપારીઆલમ તરફથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત થાય તેવી પણ શકયતા છે.