અમદાવાદ: હાર્દિક પટેલે આજે સવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, તેના ઉપવાસ આંદોલનમાં રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએથી અહીં આવી રહેલા હજારો પાટીદારોને પોલીસે રસ્તામાં જ અટકાયત કરી લીધા છે. તેના ઉપવાસ આંદોલનને તોડી પાડવાના કાવતરાના ભાગરૂપે પોલીસે રાજયમાં ૧૬ હજારથી વધુ પાટીદારોની અટકાયત કરી છે પરંતુ પોલીસ કે સરકાર ગમે તે કરે ઉપવાસ આંદોલન થઇને જ રહેશે. અમારી લડાઇ ન્યાયની અને સત્યની છે, તેમાં અમે સહેજપણ પાછી પાની કરવાના નથી.
હાર્દિકના આ દાવાના પ્રત્યુત્તરમાં ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી આર. બી. બ્રહ્મભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં માત્ર ૧૫૮ પાટીદારોને ડિટેઈને કરવા આવ્યા હોવાનો બચાવ કર્યો હતો. આમ, હાર્દિકના ઉપવાસ આંદોલનને લઇ પાટીદાર આંદોલનકારીઓ અને પોલીસ આમને સામને આવી ગયા હતા. પાટીદારોની હજારોની સંખ્યામાં અટકાયત થતાં રાજયના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને પાટીદાર યુવકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, હાર્દિકે તમામ પાટીદારોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને જિલ્લા-તાલુકા કક્ષાએથી જ ઉપવાસમાં જોડાઇ જવા આહવાન કર્યું હતું.
હાર્દિકે દાવો કર્યો હતો કે, તેના ઉપવાસ આંદોલનમાં જોડાવા આવનાર ૧૬ હજારથી વધુ પાટીદારોની પોલીસે પહેલા જ રસ્તામાં અટકાયત કરી લીધી છે અને આમ કરીને પોલીસ સરકારના ઇશારે તેના ઉપવાસ આંદોલનને કોઇપણ ભોગ સફળ નહી થવા દેવાનો કારસો રચી રહી છે, પરંતુ તેમના ઉપવાસ આંદોલન થકી જનક્રાંતિ સર્જાશે તે નક્કી છે.
દરમ્યાન એડિશનલ ડીજીપી આર.બી.બ્રહ્મભટ્ટે સમગ્ર મામલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, ગઈ તા.૨૫મી ઓગસ્ટે ૨૦૧૫માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલનની મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં મોટાપાયે તોફાનીઓએ તોફાન મચાવ્યા હતા. જેના કારણે સરકારી મિલકતોને નુકસાન થયું હતું. થોડા દિવસ પહેલા પણ સુરતમાં બસ સળગાવવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી આપવામાં આવી. અત્યાર સુધી ગુજરાતભરમાંથી ૧૫૮ પાટીદારોને ડિટેઈન કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ સામાજિક ખલેલ પહોંચાડી તોફાનની પરિસ્થિતિનું નિર્માણ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. બહારથી આવીને શહેરમાં ભેગા થશે અને પોલીસને દહેશત લાગશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે.