નવી દિલ્હી:પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી આજે મોટી રાહત મળી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે સીપીએમ અને ભાજપ તરફથી દાખલ કરવામાં આવેલી એવી અરજીને ફગાવી દીધી હતી જેમાં રાજ્યમાં પંચાયતની એવી ૨૦૦૦૦થી વધુ સીટો ઉપર ચૂંટણી રદ કરવાની માંગણી કરવામાં આવી હતી જેમાં બિનહરીફ ચૂંટણી થઇ હતી.
આ તમામ સીટો ઉપર સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોની જીત થઇ હતી. વિપક્ષી પક્ષોએ એવો આક્ષેપ મુક્યો હતો કે તેમના ઉમેદવારોને રજિસ્ટ્રેશન માટે રોકવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે એવા આક્ષેપોની ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, અસંતુષ્ટ ઉમેદવાર સાથે સંબંધિત કોર્ટમાં પંચાયત ચૂંટણીને પડકાર ફેંકવા માટે ચૂંટણી અરજીઓ દાખલ કરી શકાય છે.
ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવીલકર, જÂસ્ટસ બીવાય ચંદ્રચુડની બંધારણીય બેંચે બંધારણની કલમ ૪૨ હેઠળ પોતાને અસાધારણ શÂક્તનો ઉપયોગ કર્યો હતો અને ચૂંટણી અરજી દાખલ કરવા માટે પંચાયત ચૂંટણીના પરિણામોના જાહેરનામાની તારીખથી લઇને ૩૦ દિવસ માટેનો સમય આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને પંચાયત સમિતિના કુલ ૫૮૬૯૨ પોસ્ટમાંથી ૨૦૧૫૯ પોસ્ટ પર મતદાન થયું ન હતું. સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર કોઇપણ સ્પર્ધા વગર ચૂંટણી જીતી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી ખુબ રક્તરંજિત રહી હતી. વ્યાપક હિંસા ભડકી હતી. અનેક લોકોના મોત થયા હતા. ભાજપ અને ડાબેરીઓને ફટકો પડ્યો હતો. વ્યાપક દહેશતને લીધે ઘણા મતદારો બહાર નિકળ્યા ન હતા. તૃણમુલ કોંગ્રેસ ઉપર હિંસા ફેલાવવા અને મતદારોને ભયભીત કરવાનો આક્ષેપ કરાયો હતો.