નવી દિલ્હી: ભારત માટે એશિયન ગેમ્સમાં શુક્રવારનો દિવસ ખુબ શાનદાર રહ્યો હતો. આજે છઠ્ઠા દિવસે ભારતે જોરદાર સપાટો બોલાવીને બે ગોલ્ડ મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. જા કે, ભારત જેમાં સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે અને જેમાં બે મેડલ પાકા દેખાઈ રહ્યા હતા તે બે મેડલ હાથમાંથી નિકળી ગયા છે. કબડ્ડીમાં ભારત માટે ફરીવાર નિરાશાના સમાચાર આવ્યા છે. પુરુષો બાદ મહિલા ટીમ પણ ફાઇનલમાં ઇરાની ટીમ સામે હારી ગઈ છે.
ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવાની ફરજ પડી છે. આ પહેલા ભારતે ટેનિસમાં પુરુષોની ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ અને નોકાયનમાં ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ સુવર્ણ ચંદ્રકોની સંખ્યા છ ઉપર પહોંચી ગઈ હતી. ભારતે હજુ સુધી છ ગોલ્ડ, ચાર સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ સાથે કુલ ૨૩ ચંદ્રકો જીત્યા છે. ભારતીય નોકાયન ખેલાડીઓએ ૧૮મી એશિયન ગેમ્સમાં ચોકડી સ્કીલ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અને બે બ્રોન્ઝ જીતીને છઠ્ઠા દિવસની શરૂઆત કરી હતી. ભારતીય ટીમમાં સુવર્ણસિંહ, દત્તુ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીતસિંહ સામેલ હતા. આ પુરુષોની ચોકડીની ટીમે જારદાર દેખાવ કર્યો હતો.
બીજી બાજુ ટેનિસમાં પણ દબદબો રહ્યો હતો. અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ સુવર્ણ જીતવામાં સફળતા મેળવી હતી અને ઇતિહાસ સર્જ્યો હતો. પુરુષોની ડબલ્સમાં જીત મેળવી હતી. ફાઈનલમાં કઝાકિસ્તાનની એલેકઝેન્ડર બુબલિક અને ડેનિસ યેવસેવની જાડીને સીધા સેટોમાં ૬-૩, ૬-૪થી હાર આપીને જીત મેળવી હતી. ભારતના અનુભવી શૂટર હિના સિદ્ધૂએ નિશાનેબાજીમાં ૧૦ મીટર એરપિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ગઇકાલે ગુરુવારના
દિવસે પુરુષની કબડ્ડી ટીમ પરાજીત થઇ જતાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. કબડ્ડીની સ્પર્ધામાં ભારતનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે. પ્રથમ વખત પુરુષોની ટીમ ફાઈનલમાં પહોંચી શકી નથી. સેમિફાઇનલમાં ઇરાનની સામે ભારતની ૧૮-૨૭થી હાર થઇ હતી. એશિયન ગેમ્સમાં આ પહેલી વખત છે કે ભારતીય પુરૂષ કબડ્ડની ટીમ ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. એશિયન ગેમ્સમાં કબડ્ડીને ૧૯૯૦માં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઈને ૨૦૧૪ ઇંચિયોન એશિયાડ સુધી ભારતીય પુરૂષ ટીમે ગોલ્ડ મેડલ જ જીત્યો છે, પરંતુ આ વખતે ગોલ્ડ મેળવવાનું સપનું તૂટી ગયું છે. તો ભારતીય મહિલા ટીમે સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાની આશા કાયમ રાખી.
તેઓએ સેમીફાઈનલમાં ચીની તાઇપેને ૨૭-૧૪થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.પહેલા હાફમાં ભારતે સકારાત્મક શરૂઆત કરી અને ૬-૧થી બઢત બનાવી હતી. જે બાદ ઈરાને જોરદાર ડિફેન્સ કરતાં સુપર ટેકલ કર્યા જેના પરિણામે પહેલો હાફ ૯-૯ની બરાબરી પર રહ્યો.બીજા હાફમાં ભારતે ૧૪-૧૧થી શરૂઆતી બઢત બનાવી પરંતુ ઈરાનના ડિફેન્સે વિશ્વના સૌથી ઉમદા એટેકને તોડતાં વળતી ટક્કર આપી અને મેચ ૨૭-૧૮થી પોતાને નામે કર્યો. ભારતીય પુરૂષ ટીમ ૭ વખત એશિયન ગેમ્સમાં કબડ્ડીની ચેમ્પિયન રહી છે. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં સેમીફાઈનલમાં ઈરાનની સામે ભારતીય ટીમની એક ન ચાલી અને તેઓ ગોલ્ડ મેડલની દોડમાંથી બહાર થઈ ગયાં.