જાકાર્તાઃ એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરો દ્વારા શાનદાર દેખાવ જારી રાખવામાં આવ્યો છે. મહિલા શૂટર રાહી સરનોબતે ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. આની સાથે જ એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા વધીને ૧૧ થઇ છે. રાહી સરનોબતે થાઈલેન્ડની નફસવણને હાર આપી હતી. રાહી અને થાઈલેન્ડની નફસવણ બંનેનો સ્કોર ૩૪ ઉપર રહ્યા બાદ શૂટ ઓફનો ટેકો લેવામાં આવ્યો હતો. પ્રથમ શૂટ ઓફમાં રાહી અને હરીફ ખેલાડીએ પાંચમાંથી ચાર શોટ લગાવ્યા હતા.
બીજી બાજુ મનુ ભાસ્કરને ફાઈનલમાં નિરાશા હાથ લાગી હતી. ભારતને બે ગોલ્ડ શૂટિંગમાં અને બે ગોલ્ડ કુશ્તીમાં મળ્યા છે. ચંદ્રક ટેબલમાં ભારત સાતમાં ક્રમાંકે છે. ભારત તરફથી ૨૭ વર્ષીય રાહીએ આજે જારદાર રમત રમી હતી. ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર રાહી છઠ્ઠી ભારતીય બની છે તે પહેલા સૌરભ ચૌધરી, જસપાલ રાણા, રણધીરસિંહ, જીતુ રાય અને રોંજન સોઢીએ ભારત તરફથી ગોલ્ડ જીત્યા છે. અગાઉ એશિયન ગેમ્સમાં મંગળવારે ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનો જોરદાર દેખાવ જારી રહ્યો હતો.
ત્રીજા દિવસે ભારતીય રેસલર દિવ્યા કાકરાને ૬૮ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલમાં જોરદાર દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. દિવ્યાએ બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં ચીની તાઈપેઇની કુશ્તીબાજ ચેન વેનલિંગને ૧૦-૦થી હાર આપી હતી. દિવ્યાને ૬૮ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઈનલમાં મંગોલિયાની રેસલર સાર્ફુના હાથે ૧-૧૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. સારખુએ સેમિફાઇનલમાં ચીનની વેનલિંગને ૧૦-૦થી હાર આપી હતી. કુશ્તીમાં દેખાવ સૌથી શાનદાર રહ્યો છે.
અગાઉ ત્રીજા દિવસે ભારતને શુટિંગમાં બે ચન્દ્રક જીત્યા હતા. ભારત તરફથી સૌરભ ચૌધરી અને અભિષેક વર્માએ પુરૂષોના ૧૦ મીટર ઇવેન્ટમાં ભારત માટે ચન્દ્રક જીત્યા હતા. સૌરભે ગોલ્ડ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. જ્યારે વર્માએ કાસ્ય ચન્દ્રક જીત્યો હતો. અગાઉ ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલા એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારના દિવસે ભારતીય ખેલાડીઓનો દેખાવ શાનદાર રહ્યો હતો.
વિનેસ ફોગાટે એશિયન ગેમમાં ઇતિહાસ રચીને ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. દરમિયાન ભારતે હોંગકોંગ ચાઈનાને હોકીમાં ૨૬-૦થી હાર આપી હતી. આની સાથે જ ૮૬ વર્ષમાં સૌથી મોટી જીત મેળવી હતી. અગાઉ ૧૯૩૨માં મોટી જીત થઇ હતી.