નોટિંગ્હામ: નોટિંગ્હામ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે આજે ૨૦૩ રને જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ છવાયેલો રહ્યો હતો, પરંતુ ઇશાંત શર્માએ પણ પોતાના નામ ઉપર એક સિદ્ધિ કરી હતી.
ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇશાંત શર્માએ બંને ઓપનિંગ બેટ્સમેનોને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. જેનિંગ્સ ૧૩ રન કરીને આઉટ થયો હતો, જ્યારે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક ૧૭ રન કરીને આઉટ થયો હતો. ઇશાંત શર્માએ આધારભૂત બેટ્સમેન એલિસ્ટર કૂકને ૧૧મી વખત આઉટ કર્યો છે. જે પણ એક રેકોર્ડ છે. ઇશાંત શર્માને આ ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગ્સમાં બે વિકેટ મળી હતી પરંતું બને વિકેટ તેની પ્રાઇઝ વિકેટ રહી હતી. એલિસ્ટર કૂક ઇંગ્લેન્ડની ટીમમાં હજુ સુધીનો સૌથી આધારભૂત બેટ્સમેન રહ્યો છે. તેના નામ ઉપર ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ રહેલા છે.
એલિસ્ટર કુક માત્ર ૧૭ રન કરીને આઉટ થતાં ભારતની જીતનો માર્ગ મોકળો થયો હતો. ત્યારબાદ જેનિંગ્સ પણ ૧૩ રને આઉટ થયા બાદ ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન ૩૨ રનમાં આઉટ થઇ ગયા હતા. ઇંગ્લેન્ડની ટીમ ત્યારબાદ વાપસી કરવામાં સફળ રહી ન હતી.