નોટિંગ્હામ: નોટિંગ્હામ ખાતે રમાયેલી પાંચ ટેસ્ટ મેચોની ત્રીજી ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ભારતે આજે ઇંગ્લેન્ડ ઉપર ૨૦૩ રને જીત મેળવીને શાનદાર વાપસી કરી હતી. આ જીતની સાથે ટેસ્ટ શ્રેણીમાં રોમાંચકતા અકબંધ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ શરૂઆતની બે ટેસ્ટ મેચો જીતીને શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. ભારત ટીમની હજુ સુધી આ શ્રેણીમાં લીડ મેળવવા માટે બાકીની બે ટેસ્ટ મેચોમાં જીત મેળવવી પડશે. ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમને જીતવા માટે એક વિકેટની જરૂર હતી. આજે પાંચમા અને અંતિમ દિવસે આ એક વિકેટ ઝડપીને ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી.
પાંચમાં અને અંતિમ દિવસે ત્રીજી ઓવરમાં અશ્વિને જેમ્સ એન્ડરસને ૧૧ રને આઉટ કરીને ભારતને જીત અપાવી હતી. આ જીત બાદ ભારતીય ટીમની જોરદાર વાપસી થઇ છે. બીજી ઇનિંગ્સના આધાર પર ઇંગ્લેન્ડને જીતવા માટે ૫૨૧ રન કરવાની જરૂર હતી. ઇંગ્લેન્ડની ટીમ ૩૧૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ૧૦૪.૫ ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઇ હતી. મેન ઓફ દ મેચ તરીકે કેપ્ટન વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી હતી. અશ્વિને એન્ડરસનને રહાણેના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ જીતની સાથે જ ભારતીય ટીમ ખુશીથી ઝુમી ઉઠી હતી. જસપ્રિત બુમરાહે બીજી ઇનિંગ્સમાં ૮૫ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ઇશાંત શર્માએ બે, અશ્વિન, મોહમ્મદ સમી અને હાર્દિક પંડ્યાએ એક એક વિકેટ મળી હતી.
પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૬૧ રન બનાવનાર યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં પણ વધારે બેટિંગ કરી શકી ન હતી. જોશ બટલર અને સ્ટોકની જોડીએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૬૯ રન ઉમેરીને ભારતની તકલીફ વધારી હતી, પરંતુ આ બંને આઉટ થયા બાદ ભારતીય ટીમે વાપસી કરી હતી. બટલરે આ ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગ્સમાં ૨૫૧ મિનિટ બેટિંગ કરીને ૧૭૬ બોલમાં ૧૦૬ રન કર્યા હતા, જ્યારે રશીદ ૩૩ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. બટલરે ૨૧ ચોગ્ગા પોતાની ઇનિંગ્સમાં ફટકાર્યા હતા. બેરશો શૂન્ય રને આઉટ થયો હતો.
આ પહેલા ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે ૫૨૧ રનનો પડકાર ફેંક્યો હતો. ભારતીય ટીમે સાત વિકેટે ૩૫૨ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૯ રન બનાવવામાં આવ્યા હતા. ભારત તરફથી કોહલીએ ૧૦૩ રનની ઇનિગ્સ રમી હતી જ્યારે ચેતેશ્વર પુજારા ૭૨ રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ બાવન બોલમાં અણનમ બાવન રન કર્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં શરૂઆતની બંને ટેસ્ટ મેચ ગુમાવી દેનાર ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૬૧ રનમાં ઓલઆઉટ કરી હતી.