નવી દિલ્હી: વર્ષ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરી દીધા છે. મોતીલાલ વોરાની જગ્યાએ વરિષ્ઠ નેતા અહેમદ પટેલને કોષાધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેમની સાથે મોતીલાલ વોરાને મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજસ્થાનથી સંબંધ ધરાવનાર પાર્ટીના વરિષ્ઠ નેતા સીપી જોશીની જગ્યાએ ફલેરિયોને પૂર્વોત્તરના રાજ્યોના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ફલેરિયો ગોવાના પૂર્વ મુખ્યમંત્રી છે. વરિષ્ઠ નેતા આનંદ શર્માને કરનસિંહની જગ્યાએ પાર્ટીના વિદેશી મામલાઓના વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારને કોંગ્રેસ કારોબારી સમિતિમાં સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ અશોક ગેહલોતે એક નિવેદનમાં કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અહેમદ પટેલને તાત્કાલિક પ્રભાવથી કોંગ્રેસના કોષાધ્યક્ષ બનાવી દીધા છે. આની સાથે જ મોતીલાલ વોરાને મહાસચિવ બનાવી દેવામાં આવ્યા છે. પાર્ટી કોષાધ્યક્ષ મોતીલાલ વોરાની કઠોર મહેનત અને યોગદાનની પ્રશંસા કરે છે. મોતીલાલ વોરા છેલ્લા ૧૭ વર્ષથી પાર્ટીના કોષાધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય ઝડપથી લેવામાં આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી સીપી જોશીને પૂર્વોત્તર પ્રભારી સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. જોશી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી માટે કામ કરી રહ્યા છે. આજ કારણસર તેમને રાષ્ટ્રીય સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.