અમદાવાદ: આગામી તા.૨૫ ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ કરવા માટે અમદાવાદના નિકોલની ગ્રાઉન્ડ મંજૂરી પોલીસ સમક્ષ માંગી હતી. પરંતુ પોલીસે મંજૂરી નહી આપતા અંતે આંદોલનના પાંચ દિવસ પૂર્વે હાર્દિક પટેલે હવે પોતાના ઉપવાસનું સ્થળ બદલીને અમદાવાદને બદલે ગાંધીનગરના સેક્ટર-૬માં આવેલા સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી છે. જો તેને ત્યાં પણ મંજૂરી નહીં આપવામાં આવે તો તે ઘરેથી જ ઉપવાસ કરશે, તેવી તેણે જાહેરાત કરી છે. જેને લઈ હાર્દિકના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ છત્રપતિ નિવાસ નામના નિવાસસ્થાને ઉપવાસ આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
બીજીબાજુ, હાર્દિકે સ્પષ્ટ કરી દીધી છે કે, જો કયાંય મંજૂરી નહી મળે તો, હું મારા ઘરેથી જ ઉપવાસ આદરીશ અને તે માટે કોઇ સત્તાધીશોની મંજૂરીની જરૂર નથી. પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગ કરનાર હાર્દિક પટેલને ઉપવાસ આંદોલનની મંજૂરી નહી આપીને એક રીતે પોલીસ તંત્ર અને રાજય સરકાર તેના પ્લાનમાં સફળ થઇ હોય તેવું હાલ તો જણાઇ રહ્યું છે. તંત્ર અને સરકારના આકરા વલણને લઇ હાર્દિક પટેલ તેના ઉપવાસ આંદોલન પહેલાં જ બેકફુટ પર આવી ગયો હોય તેમ જણાઇ રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં ઉપવાસની મંજૂરી ન મળે તો પણ કોઈપણ ભોગે આ જ સ્થળે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.
ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે, અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ દરમ્યાન ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી આપવી કે નહીં, તે બાબતે પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી.
જોકે આમ છતાં તેને કોઈપણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી. અમદાવાદના નિકોલમાં પોતાના ઉપવાસ આંદોલન માટે હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પા‹કગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ મારફતે અરજી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન કરનાર પાસ લીડર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ ૫૦થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો. હવે કયાંય મંજૂરી નહી મળતાં હાર્દિક પટેલે તેના ઉપવાસનું સ્થળ બદલી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીના મેદાનમાં મંજૂરી માંગી છે અને સત્તાવાળાઓ દ્વારા મંજૂરી અપાય છે કે નહી તેની રાહ જોવાઇ રહી છે. આ બધી અડચણો અને રાજકીય અંતરાયો વચ્ચે હાર્દિક પટેલે જો કયાંય મંજૂરી નહી અપાય તો, પોતાના નિવાસસ્થાનેથી ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી, જેને લઇ હવે પોલીસ તંત્ર અને વહીવટી સત્તાધીશો અલગ રણનીતિ તૈયાર કરવામાં જોતરાયા છે.