અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામત માટેની લાંબી લડાઈ લડનાર અને અનેક કાયદાકીય ગુંચવણમાંથી પસાર થનાર પાસ લીડર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ પહેલા સાવચેતીના પગલારુપે અમદાવાદમાં કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના પોલીસ કમિશનર એકેસિંહે જાહેરનામુ બહાર પાડીને વિધિવત રીતે આ અંગેની જાહેરાત કરી છે. ૧૪ દિવસ માટે કલમ ૧૪૪ અમલી કરવામાં આવી છે. આ કલમ ૨૫મી ઓગસ્ટથી લઇને ૮મી સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં અમલી રહેશે જેના પગલે શહેરમાં એક સ્થળે લોકો એકત્રિત થઇ શકશે નહીં. સાથે જ પોલીસ કમિશનરે પોતાના જાહેરનામામાં કહ્યું છે કે, ઇજા પહોંચે તેવા હથિયારો સાથે રાખી શકાશે નહીં. સ્ફોટક પદાર્થો પણ સાથે રાખી શકાશે નહીં. પથ્થર હથિયારો સાથે એકત્રિત ન થવા માટે પણ કહેવામાં આવ્યું છે. સળગતી મશાલો અને સરઘસ સાથે બહાર ન આવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
વ્યક્તિ અથવા આકૃતિ અથવા પૂતળા ન દેખાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. કોઇ એક જગ્યાએ એકત્રિત થઇને સુત્રોચ્ચાર અને બુમો ન પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉશ્કેરણીજનક ભાષણો ન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. રાજ્યની સલામતી જોખમાય તેવા કોઇ કાર્ય ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવ્યા બાદ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને મંજુરી મળે તેવી શક્યતા હવે નહીવત દેખાઈ રહી છે. કારણ કે કોઇ જગ્યાએ ટોળા ભેગા ન થવા માટે આ જાહેરનામુ જારી કરવામાં આવ્યું છે જેને લઇને હાર્દિકની મુશ્કેલી વધી છે.