અમદાવાદ: રાજયમાં વસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકારે જિલ્લા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરાયુ છે એમ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે. તદ અનુસાર રાજયમાં વસતાં અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે પ્રત્યેક જિલ્લા / જિલ્લા એકમમાંથી પસંદગી પામેલ ૫૦- યુવક-યુવતીઓ માટે નિયત સ્થળે ૦૭ (સાત) દિવસ માટે જિલ્લા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે.
આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યકિતગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્યપધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ,નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓની શકિતઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્રારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
જયારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્રારા વિવિધ પ્રકારના આસનોનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજય સરકાર ભોગવશે અને પ્રમાણપત્ર આપવામાં આવશે.