અમદાવાદ: શ્રાવણ માસ શરૂ થતાંની સાથે જ શ્રાણિયો જુગાર રમવાનું પણ જોરશોરથી શરૂ થઇ ગયું છે તો શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે શ્રાવણિયા જુગારને પકડી પાડવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. શ્રાવણ માસની શરૂઆતના સપ્તાહમાં જ પોલીસે ર૦૦ કરતાં વધુ જુગારીઓને પકડી પાડ્યા છે. ત્યારે કુબેરનગર વિસ્તારની રમેશ બિસ્કિટની ગલીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડીને ૧૪ મહિલાઓને જુગાર રમતાં રંગે હાથ ઝડપી લીધી હતી.
એકસાથે ૧૪ મહિલાઓ જુગાર રમતી પકડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સૌથી આશ્ચર્યની અને ચોંકાવનારી વાત તો એ હતી કે, આ મહિલાઓ પહેલી જ વખત જુગાર રમવા બેઠી હતી અને ક્રાઇમ બ્રાંચની ટીમના સપાટામાં ઝપટે ચઢી ગઇ હતી અને જુગાર રમતાં રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. પોલીસે રૂ.પ૦ હજારની રોકડ સહિતના મુદ્દામાલ સાથે તમામ મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારની રમેશ બિસ્કિટની ગલીમાં આવેલ પદ્મ એવન્યૂમાં કેટલીક મહિલાઓ શ્રાવણિયો જુગાર રમી રહી છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. એચ. જાડેજાની ટીમે શનિવારે મોડી રાતે પદ્મ એવન્યૂમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક ફ્લેટમાંથી ક્રાઇમ બ્રાંચના હાથે ૧૪ મહિલાઓ જુગાર રમતાં રંગે હાથ ઝડપાઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાંચે ફ્લેટનાં માલિક જયાબહેન કુશલાની સહિત જુગાર રમવા માટે આવેલી સપનાબહેન ગગલાણી, રેખાબહેન ખત્રી, ભાવનાબહેન અભાગચંદાણી, ભારતીબહેન ધામાની, ચંપાબહેન પાટવાણી, સોનિયાબહેન શાખ્યાની, ભાવનાબહેન સાધવાણી, રાનીબહેન જાડેજા, જ્યોતિબહેન ખેમાણી, કલ્પનાબહેન ગૌસ્વામી, હર્ષાબહેન બાગિયા, દલવીરકૌર દત્ત અને ઉષાબહેન લસાણીની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાંચે ઘટના સ્થળેથી પ૦ હજાર રુપિયા રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ મહિલાઓની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચમાં લાવી હતી, જ્યાં તેમના વિરુદ્ધમાં જુગારધારા એકટ હેઠળ ગુનો દાખલ કરીને તમામને જામીન પર મુક્ત કર્યાં હતાં. આ સિવાય મોટેરામાં આવેલી જોન્ટ સફારી હોટલમાં ચાલતા શ્રાવણિયા જુગારધામનો પણ પોલીસે પર્દાફાશ કરતાં ૧૭ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં પણ ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે મોટેરાની જોન્ટ સફારી હોટલમાં લોકો જુગાર રમી રહ્યા છે. દરોડા પાડતાં પોલીસે ૧૭ જુગારીઓની ધરપકડ કરી હતી અને ઘટનાસ્થળેથી સવા લાખ રૂપિયા રોકડા સહિત ત્રણ કાર અને મોબાઇલ ફોન કબજે કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.