જકાર્તા: ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલા એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓનો દેખાવ શાનદાર રહ્યો હતો. વિનેસ ફોગાટે એશિયન ગેમમાં ઇતિહાસ રચીને ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. વિનેશે જાપાનની ઇરીયુકી ઉપર ૬-૨થી જીત મેળવી હતી. આની સાથે જ ભારતે વે બે ગોલ્ડ પણ પોતાના નામે કરી દીધા છે. આજે ભારતની વિનેશ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેમના પગમાં દુખાવો હતો છતાં પોતાની તમામ બાઉટ જીતવામાં તે સફળ રહી હતી. વિરોધી રેસલરને કોઇ તક આપી ન હતી. ફાઈનલમાં પહોંચતા પહેલા વિનેશે સેમિફાઇલમાં કોરિયાની રેસલર કિમને હાર આપી હતી.
ભારતના ખાતામાં આજે શૂટિંગમાં બે મેડલ આવ્યા હતા. આની સાથે જ ભારતના હજુ સુધી કુલ પાંચ મેડલ થઇ ગયા છે. દિપકકુમાર અને લક્ષ્યકુમારે ભારત તરફથી શૂટિંગમાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ ખેલમાં હજુ સુધી ભારતે એક ગોલ્ડ અને બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. લક્ષ્ય શેરોને પુરુષોની ટ્રેક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. લક્ષ્ય ૪૩-૫૦ના સ્કોર સાથે બીજા સ્થાને રહ્યો હતો. જ્યારે ભારત તરફથી માનવજીતસિંહ સંધૂને ચોથા સ્થાન ઉપર રહેવાની ફરજ પડી હતી. ચીની તાઈપેઇના યાંગે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લક્ષ્યની જીત બાદ સ્ટેડિયમમાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. તે પહેલા ભારતના દિપક કુમારે આજે એશિયન ગેમ્સ ૨૦૧૮માં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં સફળતા હાંસલ કરી હતી. ૩૦ વર્ષીય દિપકે ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ જીતીને ભારતને મોટી સફળતા અપાવી હતી. દિપક ૨૪૭.૭ પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યો હતો.
ચીનના હોરન યેંગે રેકોર્ડ ૨૪૯.૧ પોઇન્ટની સાથે ગોલ્ડ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ભારત તરફથી રવિ કુમાર અને દિપક કુમાર બંનેએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતે ત્રણ ચન્દ્રકો જીત્યા છે. સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ગઇકાલે રવિવારના દિવસે ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવવામાં સફળતા મેળવી હતી. પુરુષોની ૬૫ કિલોગ્રામ સ્પર્ધાની ફાઈનલમાં જાપાનના દાયચીને ૧૧-૮થી હરાવીને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. બજરંગે એશિયન ગેમ્સ ૨૦૧૪માં રજત ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. તે પહેલા ૧૦ મીટર એર રાયફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વ ચંદેલા અને રવિ કુમારની જાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઈનલમાં આ ભારતીય જોડીઓ ૪૨૯.૯નો સ્કોર બનાવ્યો.
ભારતનો અનુભવી પહેલવાન અને બે વખત ઓલ્મ્પિક મેડલિસ્ટ સુશિલ કુમાર પુરૂષોની ૭૪ કિલોગ્રામ સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં હારી ગયો હતો. આ મહત્વના મુકાબલામાં સુશીલને બહરીનના એડમ બાતિરોવએ ૫-૩થી હાર આપી હતી. સુશીલના નામે એશિયાડમાં ફક્ત એક મેડલ છે. સુશીલે ૨૦૦૬ દોહા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઉપરાંત, ૬૫ કિગ્રામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા બજરંગે ૨૦૧૪ ઇંચિયોન એશિયાઈ રમતોમાં સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. આ વખતે તેઓ મેડલનો રંગ બદલવા ઈચ્છશે. ભારતીય મહિલા રેસલર વિનેસ ફોગાટે મહિલાઓની ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં ફાઈનલમાં કુચ કરી હતી. કોરિયાની મહિલા રેસલરને હાર આપી હતી.
૫૭ કિલોગ્રામમાં પૂજાની હાર થઇ છે. પૂજાને બીજા દિવસે ઉત્તર કોરિયાની મહિલા ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ ભારતીય મહિલા રેસલર સાક્ષી મલિકને ૬૨ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાક્ષી કિર્ગિસ્તાનની તીનીકોબા સામે ૭-૮થી હારી ગઈ હતી. બીજી બાજુ બેડમિંટનમાં સાયના નેહવાલની હાર સાથે ભારતને નિરાશા હાથ લાગી છે. પીવી સિંધૂએ દુનિયાની નંબરવન ખેલાડીને હાર આપી હતી. સાયનાની હાર થતાં ભારતને ફટકો પડ્યો છે.