અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ આગામી ૨૪ કલાક સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ મહેર કરી હતી. વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુ અને આહ્લલાદક બની ગયું હતું.
જા કે, ભારે વરસાદી ઝાપટાઓના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં થોડા કલાકો માટે પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સૌથી વધુ જાવા મળી હતી. તો, શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભુવા, ખાડા પડવાની અને રસ્તાનું ધોવાણ થવાની ફરિયાદો ચાલુ રહેવા પામી હતી, જેને લઇ નાગરિકોએ અમ્યુકો તંત્ર પરત્વે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લઇ નગરજનો જાણે ચોમાસાના ખરા માહોલની માણી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આજે સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ બોપલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. બપોરના સમયે મેઘરાજાએ જાણે ગિયર બદલ્યું હોય એમ થોડા સમય માટે જારદાર ભારે વરસાદી ઝાપટાં પડયા હતા. જેના કારણે થોડીવાર માટે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ વિસ્તારમાં નરોડા, નારોલ, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ , સીટીએમ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સૌથી વધુ સમસ્યા જાવા મળી હતી. તો, વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. આ સમસ્યાઓ પણ પૂર્વના વિસ્તારોમાં સૌથી વધુ નોંધાઇ હતી.
શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૨૮.૧ અને લઘુત્તમ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં હળવા વરસાદી ઝાપટા જારી રહે તેવી શક્યતા છે.