લખનૌ: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ ઉત્તરપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે, વાજપેયીની અસ્થિઓને રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ અટલ બિહારી વાજપેયીની કર્મભૂમિ રહી છે. રાજ્યના દરેક ક્ષેત્રમાં તેમની લોકો સાથે ભાવના જાડાયેલી હતી. જનભાવનાઓનું સન્માન કરીને દેશના તમામ જિલ્લાની મુખ્ય નદીઓમાં તેમની અસ્થીઓ પ્રવાહિત કરવામાં આવશે.
રાજ્યની જનતાને તેમની અંતિમ યાત્રામાં જોડાવવાની તક મળે તેનો આ હેતુ છે. ગંગા, યમુના, ચંબલ, ઘાખરા, ગોમતી, રામગંગા, ગંડક, શારદા, કાલીનદી, શોન, વાણગંગા સહિતની નદીઓમાં અસ્થીઓનું વિસર્જન કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે, પ્રથમ સંસદીય ક્ષેત્ર બલરામપુર અને કર્મભૂમિ લખનૌમાં સ્મૃતિઓને સજીવ રાખવા માટે ખાસ કાર્ય કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. અવસાન થયા બાદ ગઇકાલે વાજપેયીના સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.