અમદાવાદ: સુરતમાં કિશોરી ઉપર પાંચ યુવાનોએ દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદના આધાર પર આ પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી કિશોરી સાથે નજીકની મિત્રતા કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. મિત્રતા કરવામાં આવ્યા બાદ તેનો ફોન નંબર લઇ લેવામાં આવ્યો હતો અને બ્લેકમેઇલિંગ કરવાની પરંપરા શરૂ થઇ હતી. દુષ્કર્મની ફરિયાદ થયા બાદ પોલીસે અતિ ઝડપથી કાર્યવાહી કરીને પાંચેયની અટકાયત કરી લીધી છે અને તેમની સામે બળાત્કાર, અપહરણ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સોશિયલ મિડિયા પર હાલના સમયમાં મિત્રતા કરી બ્લેક મેઇલિંગ કરવા અને ધમકી આપવાના બનાવો વધી રહ્યા છે. આ યુવાનો પૈકી એકે ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ વાતચીતનો દોર શરૂ થયો હતો. યુવકે ફોટાઓ પણ કોઇકરીતે મેળવી લીધા હતા જેના આધાર પર બ્લેકમેઇલિંગ કરવાનો સિલસિલો શરૂ થયો હતો.
કિશોરીના ઉપજાવી કાઢેલા ફોટો બનાવીને સોશિયલ મિડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. પહેલા પ્રેમીએ વારંવાર બ્લેકમેઇલિંગ કરીને દુષ્કર્મ કર્યા બાદ મિત્રોને પણ ભેગા કરવામાં આવ્યા હતા. કિશોરીએ આખરે માતા-પિતાને જાણ કરતા સમગ્ર ઘટના સપાટી ઉપર આવી હતી. માતા-પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ આ સમગ્ર કેસનો પર્દાફાશ થયો છે અને તમામની ધરપકડ કરાઈ છે. આ બનાવને લઇને તમામ લોકોં ચોંકી ઉઠ્યા છે.