નવી દિલ્હીઃ શેરબજારમાં આજે ફરી એકવાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. મંદી પર બ્રેક મુકાઈ હતી. એશિયન બજારમાં તેજીની અસર જાવા મળી હતી. બીએસઈ સેંસેક્સ ૨૮૪ પોઇન્ટ ઉછળીને ૩૭૯૪૮ની સપાટી પર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૬ પોઇન્ટ ઉછળીને ૧૧૪૭૧ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો.
ચાવીરુપ શેરમાં એફએમસીજીના શેરમાં જોરદાર તેજી જામી હતી. આઈટીસીના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. આ શેર અગાઉ બાવન સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૧.૮થી ૩ ટકા વચ્ચેનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં સતત ચોથા દિવસે તેજી જામી હતી. છ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. સનફાર્મા, રેડી લેબ, ગ્લેનમાર્ક ફાર્મા, લ્યુપિન, કેડિલા હેલ્થકેરમાં ૧થી ૪ ટકા વચ્ચેનો ઉછાળો નોંધાયો હતો.
એશિયન બજારમાં તેજી જામી હતી. કારણ કે, ચીન અને અમેરિકા જૂન મહિના બાદથી પ્રથમ વખત વેપાર મંત્રણા કરવા માટે સહમત થયા છે. બીજી બાજુ તુર્કિસ ચલણ લીરામાં પણ સ્થિતિ સુધરી છે. રેકોર્ડ નીચી સપાટીએ આ સપ્તાહમાં પહોંચી ગયા બાદ તેમાં આજે ઉછાળો નોંધાયો હતો. ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૮૮ પોઇન્ટ ઘટીને ૩૭૬૬૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટીને ૧૧૩૮૫ની નીચી સપાટીએ રહ્યો હતો. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.