નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાન શનિવારના દિવસે એટલે કે આવતીકાલે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઇમરાન ખાને સત્તાવારરીતે આમંત્રણ આપ્યા બાદ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજાત સિદ્ધૂ પાકિસ્તાન પહોંચી ચુક્યા છે.
પાકિસ્તાન રવાના થતાં પહેલા સિદ્ધૂએ આજે અટારી-વાઘા સરહદ ઉપર મિડિયા સાથે વાત કરી હતી. સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ એક સદ્ભાવના દૂત તરીકે પાકિસ્તાન જઈ રહ્યા છે. આના કારણે બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો થશે. પંજાબ સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ એક સદ્ભાવના દૂત તરીકે પાકિસ્તાન જઇ રહ્યા છે. સિદ્ધૂ પંજાબના મિનિસ્ટર તરીકે છે. સિદ્ધૂની સાથે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ ઇમરાન ખાન તરફથી શપથગ્રહણમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું હતું.
બીજી બાજુ પાકિસ્તાન પહોંચ્યા બાદ મિડિયા સાથે વાત કરતા સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ કોઇ રાજકીય વ્યક્તિ તરીકે અહીં આવ્યા નથી. અમન, પ્રેમ અને ખુશાલીના સદ્ભાવના દૂત બનીને તેઓ અહીં પહોંચ્યા છે. સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ ઇમરાન ખાનને રમતના મેદાન પર નિહાળ્યા છે. પોતાની નબળાઈને કઇ રીતે તાકાતમાં ફેરવી નાંખતા હતા. પાકિસ્તાનને આજે તેમની જરૂર છે.
ઇમરાન ખાન માટે નવજાત સિદ્ધૂ ખાસ ભેંટ લઇને પણ પહોંચ્યા છે. ઇમરાન ખાન માટે કઇ ભેંટ લાવ્યા છે તેવા પ્રશ્ન પર સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ ઇમરાન ખાન માટે એક કાશ્મીરી શોલ લઇને આવ્યા છે જે પ્રેમના પ્રતિક તરીકે છે. આ પ્રકારના શોલ તેમને પોતાને પણ ખુબ પસંદ છે. આજ કારણસર ઇમરાન ખાન માટે શોલ લઇને પહોંચ્યા છે. ઇમરાન ખાનની શપથવિધિને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટીને સૌથી વધુ સીટો મળી હતી.