પટણા: બિહારના મુઝ્ફફરપુર ગૃહ કાંડના મામલે હજુ પણ નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. હવે સીબીઆઇ તપાસની બાબત પૂર્વ સમાજ કલ્યાણ પ્રધાન મંજુ વર્મા સુધી પહોંચી ગઇ છે. સીબીઆઇની ટીમ દ્વારા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસને લઇને આજે મંજુ વર્માના પટણા આવાસ પર બેગુસરાય સ્થિત આવાસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ ફેલાઇ ગયો હતો.
બિહારના મુઝફ્ફરપુરમાં શેલ્ટર હોમમાં ૩૪ યુવતિઓ સાથે રેપનો ખુલાસો થયા બાદ હવે રાજકીય ગરમી વધી ગઇ છે. તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટ આવ્યા બાદ આ ચકચારી કેસનો ખુલાસો થયો છે. દબાણ વધી ગયા બાદ નીતિશ કુમાર સરકારે આ મામલે તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી. સાથે સાથે સરકારે સમાજ ક્લ્યાણ વિભાગના સહાયક નિર્દેશક દેવેશ કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભોજપુર, મુંગેર, અરરિયા, મધબાની અને ભાગલપુર સામાજિક કલ્યાણ વિભાગના સહાયક નિર્દેશકોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારની મંજુરી બાદ સીબીઆઇ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. તપાસ સંસ્થા દ્વારા આ ચકચારી કેસમાં બ્રજેશ ઠાકુરના પુત્રની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે તેમને કોઇ કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ બ્રજેશની પુછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા છે. શેલ્ટર હોમ કેસને લઇને બિહારમાં જોરદાર રાજકીય ઘમસાણ છે.