અમદાવાદ: હવે એ સમય નથી રહ્યો કે, કેક અને પેસ્ટ્રી માત્ર બર્થ ડે કે જન્મદિનની ઉજવણી પ્રસંગે જ મંગાવાતી હોય, પરંતુ હવે રક્ષાબંધન, લગ્નતિથિની ઉજવણી સહિતના પ્રસંગો કે તહેવારની ઉજવણી ટાણે પણ કેક અને પેસ્ટ્રીની ડિમાન્ડ વધી છે. અમદાવાદની જાણીતી ડેંગી ડમ્સ લિ. કંપની દ્વારા હાથ ધરાયેલા ગત વર્ષના સર્વેમાં એવી મહત્વની બાબત સામે આવી હતી કે, શહેરમાં સામાન્ય રીતે બર્થ ડે, તહેવાર કે કોઇ પ્રસંગે કેક મંગાવતા ઘરોમાં સમગ્ર વર્ષ દરમ્યાન સરેરાશ આઠેક વખત તો કેક મંગાવાતી હોય છે, આમ પાછલા કેટલાક સમયમાં કેક-પેસ્ટ્રીનું ચલણ વધ્યું છે.
આ સાથે જ પ્રિમિયર અને ડિઝાઈનર કેક અને પેસ્ટ્રીઝની ઉત્પાદક, અમદાવાદની ડેંગી ડમ્સ લિમિટેડ, રૂ. ૧૦ની કીંમતનો એક એવા ૨૭,૧૨,૦૦૦ (૨૭.૧૨ લાખ) ઈક્વિટી શેર રૂ. ૭૪ની ફિક્સ કિંમતે ઓફર કરીને પ્રારંભિક પબ્લિક ઓફર (આઈપીઓ) સાથે મૂડી બજારમાં પ્રવેશી રહી છે એમ અત્રે કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટ નિકુલ પટેલ અને ડિરેકટર રવિ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેંગી ડમ્સના આઇપીઓનું ભરણુ તા. ૨૦ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ ખુલશે અને તા.૨૪ ઓગષ્ટ ,૨૦૧૮ના રોજ બંધ થશે. કંપની ગુજરાતનાં મુખ્ય શહેરોમાં ૮૧ ડેડીકેટેડ રિટેઈલ આઉટલેટ મારફતે તેની કામગીરી કરી રહી છે. કંપની સ્થિર અસ્કયામતોની ખરીદી કરવા ઉપરાંત તેના સિક્યોર્ડ લેણદારોને ચૂકવણી કરવા અને જનરલ કોર્પોરેટ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આ ભરણુ લાવી રહી છે. ડેંગી ડમ્સ લિમિટેડ એસએમઈ આઈપીઓ વડે રૂ. ૨૦. ૦૭ કરોડની રકમ ઉભી કરવા માગે છે. આઈપીઓનુ લીસ્ટીંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)ના ઇમર્જ પ્લેટફોર્મ ઉપર થશે. મિનિમમ લોટ સાઈઝ ૧૬૦૦ રિટેઈલ શેરની રહેશે. હાઈ નેટવર્થ ઈન્ડીવિડ્યુઅલ્સ (એચએનઆઇ) માટે ૩૨૦૦ રિટેઈલ શેર અને વધુ શેર માટે ૧૬૦૦ શેરના ગુણાંકમાં રહેશે. આ ભરણામાં ૨૬.૪૨ ટકા જેટલી પોસ્ટ ઈસ્યુ પેઈડ-અપ કેપિટલનો સમાવેશ થાય છે.
કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટ નિકુલ પટેલ અને ડિરેકટર રવિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી તમામ પ્રોડકટસનું ઉત્પાદન અમદાવાદમાં પિપળજ ખાતે દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ૨૫,૦૦૦ ચો. ફૂટના એકમમાં કરવામાં આવી રહ્યું છે. અમે અમારા વ્યાપક વિતરણના નેટવર્ક મારફતે અમારા ગ્રાહકો સુધી પહોંચીએ છીએ અને ગુણવત્તા માટે નિષ્ઠા ધરાવીએ છીએ.
દરમ્યાન સીઇઓ મોહન મોતીયાણીએ જણાવ્યું કે, અમારી વિસ્તરણની વ્યૂહરચના ચાલુ રાખીને અમે નવાં બજારોમાં પ્રવેશવાની પ્રક્રિયા હાથ ધરીને ગુજરાત બહાર પણ અમારી કામગીરી વિસ્તારવા માગીએ છીએ. અમે વર્તમાન બજારમાં પણ નવાં આઉટલેટ શરૂ કરવા માગીએ છીએ જેથી અમારી પ્રોડકટસની ઉપલબ્ધી વધી શકે. સાથે સાથે અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતો અને માંગ અનુસાર નવી પ્રોડકટસ લાઈન રજૂ કરવા બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. વિવિધ પ્રકારની પ્રિમિયમ અને ડીઝાઈનર કેક અને પેસ્ટ્રીઝની ૧૬થી ૧૭ જેટલી અલગ અલગ વેરાયટીઝની વ્યાપક રેન્જ રજૂ કરતી ડેંગી ડમ્સ લિ.નાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને સુરત સહિત પાંચ મોટાં શહેરોમાં ૮૦થી વધુ આઉટલેટ આવેલાં છે. કંપની કુલ રૂ. ૩૬.૫૮ કરોડની આવક ધરાવે છે, જે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીના છેલ્લા પાંચ વર્ષમાં એકંદર વાર્ષિક ૮૭.૪૩ ટકાના સરેરાશ વૃધ્ધિ દર(સીએજીઆર)થી વધી રહી છે.
અમદાવાદ સ્થિત મર્ચન્ટ બેંકર મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ આ પબ્લિક ઈસ્યુના લીડ મેનેજર છે અને બીગશેર સર્વિસીસ પ્રા. લિમિટેડ રજીસ્ટ્રાર છે. ભવિષ્યમાં કુકીઝ, કેન્ડીસ સહિતની અન્ય પ્રોડકટ્સનું પણ તેમનું આયોજન છે.