મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝાલાવાડની ધરતી પરથી ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન તિરંગો લહેરાવી તેને સલામી આપી પ્રજાજોગ સંદેશમાં ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. તેમણે ગુજરાતને સામાજિક સમરતા, સૌહાર્દભર્યા નવા ગુજરાતના નિર્માણ સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આ સરકારે ચરિતાર્થ કર્યો હોવાનું સગર્વ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં હકડેઠઠ જનમેદનીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વમાં રાષ્ટ્રભક્તિનો પ્રચંડ જુવાળ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનના પ્રારંભે આઝાદી સંગ્રામના શિરમૌર એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, અદિવાસી વન બંધુઓના ક્રાંતિ સંગ્રામના પ્રણેતા ગોવિંદા ગુરૂ, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, જેવા અનેક વીર સપૂતોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા અને ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કર્યું હતું.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે જેણે ના તો ગુલામી જોઇ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના છે. તેથી આઝાદીનું મુલ્ય અને આઝાદીનું જતન સંવર્ધન માટે પેઢીને પણ પ્રેરિત કરીને આપણે સૌએ મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે.
હવે દેશ માટે જીવવાનો અવસર છે. જેમ સ્વરાજ્યની લડતમાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી-સરદાર સાહેબે નેતૃત્વ કર્યું. તેમ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાની વિકાસયાત્રાનું નેતૃત્વ પણ આપણી ગુર્જરભૂમિના સંતાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ..
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં જનજનના આશીર્વાદ અને સમર્થનથી-વિશ્વાસથી છેલ્લા રર વર્ષથી સતત સાતત્યપૂર્ણ અને સ્થિર શાસનથી આપણે વિકાસના નવા સિમાચિન્હો સર કર્યા છે. માત્ર, સત્તામાં રહેવું કે સરકાર ચલાવવી એવા સિમીત ઉદેશથી નહિ, પરંતુ જન-જનનો વિકાસ દરેકની સુખાકારીની ખેવના માટે આ સરકાર કર્તવ્યરત છે.
શોષિત, પીડિત, વંચિત, ગરીબ, ખેડૂત, ગ્રામીણ, યુવાનો-માતા-બહેનો હરેકને વિકાસનો સમાન અવસર આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ હોય – આરોગ્ય હોય – સામાજીક સમરસતા – શાંતિ – સલામતિ હોય કે જનશકિતના સહયોગથી આરંભાયેલું જળસંચય અભિયાન હોય ગુજરાતે હંમેશા દેશને નવતર રાહ ચીંધ્યો છે. તેમ પણ કહ્યું હતું.