અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં વર્ષો બાદ એએમસી અને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પા‹કગના મુદ્દે જબરદસ્ત ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ ચલાવાઇ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં આ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ જારી કરાયો છે. જે મુજબ, તા.૨ ઓગસ્ટથી તા.૧૨ ઓગસ્ટ સુધીની કામગીરીના રિપોર્ટમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળી ૨૯,૫૨૯થી પણ વધુ ગેરકાયદેસર દબાણો-અતિક્રમણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે ૯૨,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આમ કરી અમ્યુકો તંત્ર શહેરના માર્ગો, રોડ-રસ્તા, શેરીઓ અને ફુટપાથો ખુલ્લા કર્યા હતા.
આ કામગીરી દરમ્યાન અમ્યુકો તંત્ર દ્વારા રૂ.૩ લાખથી વધુ વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા છેલ્લા દસ દિવસમાં ૫૨૦થી વધુ લારી-ગલ્લા ઉપાડવામાં આવ્યા છે અને ૭,૫૭૪ કોમર્શિયલ શેડ પણ દૂર કરવામાં આવ્યા હતા. આ સિવાય ૧૫૦૦થી વધુ વાહનો નો-પા‹કગ ઝોનમાંથી અમ્યુકો દ્વારા ખસેડવામાં આવ્યા હતા. ડિમોલિશન ડ્રાઇવ દરમ્યાન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણરૂપ એવા ૭૭૪૫ જેટલા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા તો ૧૨૯૮ ક્રોસવોલ અને ૩૨૦ લોખંડની સીડી તોડી પાડવામાં આવી છે. જ્યારે ૬૧૪ પાક્કા બાંધકામ પણ તોડવામાં આવ્યા છે.
ગત જુલાઈ માસમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં દિવસે ને દિવસે વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને પગલે શહેર પોલીસ કમિશ્નર અને એએમસીના કમિશ્નરનો ઉધડો લીધો લઈ, માત્ર વાતો નહીં પરંતુ વાસ્તવિક કામ પણ કરવા ટકોર કરી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ નરી વાસ્તવિકતા છે જે સમસ્યાના નિકાલ માટે કોર્પોરેશન કે પોલીસે કોઈ નક્કર કામગીરી નથી કરી એ પણ હકીકત છે. હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશન અને શહેર પોલીસ કમિશનરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો, અને બાદમાં બંને અધિકારીઓનો ઉધડો લીધો હતો.
હાઇકોર્ટે રસ્તાને અડીને આવેલા ગેરકાયદે દબાણો અને અતિક્રમણો દૂર કરવા નિર્દેશ પણ કર્યો હતો. જેને પગલે અમ્યુકો અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાબડતોબ શહેરભરમાં ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા દસ-બાર દિવસની ડ્રાઇવ અને ઝુંબેશને લઇ અમ્યુકો અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઇ સમગ્ર શહેરની આખી સિકલ જ બદલાઇ ગઇ છે. માર્ગો ખુલ્લા અને રોડ-રસ્તા અને ફુટપાથો હવે સુંદર લાગવા માંડ્યા છે.
જો આ ચાલુ સપ્તાહ દરમ્યાનની કામગીરીની વાત કરીએ તો, શહેરના હેવી ટ્રાફિક ધરાવતા ૧૦ ભરચક વિસ્તારોના ૧૧ કિલોમીટર સુધી અમ્યુકો અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક મહાઝુંબેશ ચાલાવી હતી. જેમાં સેકટર-૨ વિસ્તારમાં માત્ર અઢી કલાકમાં ૧૫૦ લોકોને નોટિસ આપવામાં આવી હતી. આ સાથે બીઆરટીએસ રૂટમાં જતા ૧૫૦ વાહનચાલકોને દંડ ફટકારાયો હતો અને અનેક બિલ્ડીંગોને પણ નોટિસ અપાઈ હતી. આ મહાઝુંબેશમાં ૩ ડીસીપી, ૬ એ.સી.પી. અને ૧૦ પી.આઇ સહિતની ૨૦૦ પોલીસ કર્મીઓએ ખડેપગે તૈનાત રહી ટ્રાફિક નિયમોનું પાલન કરાવી સમગ્ર કામગીરી હાથ ધરી હતી.