અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં લોકસભા પહેલાની તૈયારીઓ થઈ રહી હોય તેમ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પક્ષ પલટો કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો હતો. ગઈ કાલ કોંગ્રેસના બે અને ભાજપના બે એમ કુલ ચાર નેતાઓએ આઝાદીની ઉજવણી પહેલા પોતાની વર્તમાન પાર્ટીને અલવિદા કરીને કમળ અને પંજો પકડી લેતાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ફટકો અને ફાયદો મળ્યા હતા.
ભાજપના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ અને રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરે ભાજપના કેસરિયાને રામરામ કરીને કોંગ્રેસનો પંજો પકડ્યો હતો. આ બંને નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભાવોની હાજરીમાં કોંગ્રેસનો પંજા ધારણ કર્યો હતો. તો સામે બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય બાલકૃષ્ણ જીરાલા અને બનાસકાંઠા જિલ્લા મહામંત્રી હરેશ જોષી કોંગ્રેસના પંજાને છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના બબ્બે નેતાઓએ સ્વતંત્રતા દિવસ પહેલાં જ પક્ષપલટો કરતાં આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજકારણ ફરી એકવાર ગરમાયું હતું. કોંગ્રેસમાં જોડાયેલા શામજીભાઇ ચૌહાણે ભાજપ પર કોળી સમાજને ભારોભાર અન્યાય થઇ રહ્યો હોવાના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તો, કોંગ્રેસનો પંજા ધારણ કરનારા અશોક ડાંગરે પણ મગફળી કૌભાંડને લઇ ભાજપ સરકાર પર ચાબખા વરસાવ્યા હતા અને ન્યાયિક તપાસની માંગણી કરી હતી.